Joginder Sharma: ભારતને ટી-20 વર્લ્ડકપ જીતાડનારા આ ખેલાડીએ જાહેર કરી નિવૃતિ, જય શાહને લખ્યો પત્ર
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ વર્લ્ડકપની જીતના હીરો રહેલા ફાસ્ટ બોલર જોગિન્દર શર્માએ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. શુક્રવારે (3 ફેબ્રુઆરી), 39 વર્ષીય જોગિન્દર શર્માએ ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરી હતી.
Announced retirement from cricket Thanks to each and everyone for your love and support 🙏❤️👍👍 pic.twitter.com/A2G9JJd515
— Joginder Sharma 🇮🇳 (@MJoginderSharma) February 3, 2023
હરિયાણાના રોહતકથી આવેલા જોગિન્દર શર્માએ ભારત માટે માત્ર 4 ODI અને 4 T20 મેચ રમી છે. ખાસ વાત એ છે કે તેણે પોતાના કરિયરની તમામ ટી20 મેચો માત્ર વર્લ્ડ કપમાં જ રમી અને ઈતિહાસ રચાઈ ગયો હતો. જ્યારે તેણે 2004માં ભારત માટે ODI ડેબ્યૂ કર્યું હતું અને 2007માં છેલ્લી ODI રમી હતી. જોગિન્દર શર્મા હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપી છે, તે થોડા સમય પહેલા હરિયાણા માટે રણજી ટ્રોફી પણ રમી રહ્યો હતો.
જોગિન્દર શર્માએ ટ્વિટર પર પોતાનો પત્ર શેર કર્યો, જે તેણે BCCI સચિવ જય શાહને મોકલ્યો હતો અને નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોગિન્દર શર્માએ લખ્યું હતું કે તેઓ BCCI, હરિયાણા ક્રિકેટ એસોસિએશન, ચેન્નાઈ સુપર કિંગ્સ અને હરિયાણા સરકારનો આભાર માને છે. જોગિન્દર શર્માએ તેના ચાહકો, પરિવારજનો, મિત્રોનો આભાર માન્યો, જેમણે તેની કારકિર્દીના ઉતાર-ચઢાવમાં તેનો સાથ આપ્યો હતો.
24 સપ્ટેમ્બર, 2007ના રોજ જ્હોનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયા પ્રથમ ટી-20માં ચેમ્પિયન બની હતી. આ સાથે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ 1983 પછી વર્લ્ડકપ જીતવામાં સફળ રહી હતી.
2007 T20 વર્લ્ડ કપ પહેલા જોગિન્દરને કોઈ ઓળખતું પણ નહોતું, જ્યારે તેણે 2004માં જ ટીમ ઈન્ડિયા માટે વનડે ડેબ્યૂ કર્યું હતું. જોગિન્દરે 23 ડિસેમ્બર 2004ના રોજ બાંગ્લાદેશ સામે ડેબ્યુ કર્યું હતું. તેણે તેની છેલ્લી ODI 24 જાન્યુઆરી 2007ના રોજ બારાબતી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી.
જોગિન્દરે 19 સપ્ટેમ્બર 2007ના રોજ કિંગ્સમીડ ખાતે ઈંગ્લેન્ડ સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત માટે છેલ્લી T20 24 સપ્ટેમ્બર 2007ના રોજ પાકિસ્તાન સામે વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમી હતી. તે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ હતી. ફાઇનલમાં ભારતને છેલ્લી ઓવરમાં 13 રન બચાવવા પડ્યા હતા, જ્યારે મિસ્બાહ-ઉલ-હક સામે હતો. કેપ્ટન ધોનીએ હરભજન સિંહના બદલે જોગિન્દર શર્માને બોલિંગ આપી અને તે માસ્ટર સ્ટ્રોક સાબિત થયો હતો.
જોગિન્દરે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ચાર વનડે અને ચાર ટી-20 રમી હતી. તેની વનડેમાં એક વિકેટ અને ટી20માં ચાર વિકેટ છે. તેણે IPLમાં પણ 16 મેચ રમી છે અને 12 વિકેટ લીધી છે. 27 રનમાં બે વિકેટ તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ છે. જોગિન્દર આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત જાયન્ટ્સ તરફથી રમી ચૂક્યો છે.