India@2047 Summit: પહેલગામ હુમલા બાદ ભારતે પાક સામે રમવું જોઈએ કે નહીં ? ગંભીરે આપ્યો જવાબ
એબીપીના કાર્યક્રમમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચને પૂછવામાં આવ્યું હતું કે શું ભારતે કોઈપણ વેન્યૂ પર પાક સાથે ક્રિકેટ રમવું જોઈએ ?

Gautam Gambhir, India vs Pakistan: એબીપીના કાર્યક્રમમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચને પૂછવામાં આવ્યું હતું કે શું ભારતે કોઈપણ વેન્યૂ પર પાક સાથે ક્રિકેટ રમવું જોઈએ ? આ અંગે ગૌતમ ગંભીરે પોતાના દિલની વાત કહી હતી. ગૌતમ ગંભીરે કહ્યું કે ભારતે કોઈપણ સ્થળે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ન રમવી જોઈએ.
ભારત-પાકિસ્તાન મેચના સવાલ પર ગૌતમ ગંભીરે કહ્યું, "મારો કોઈ વ્યક્તિગત અભિપ્રાય નથી. પરંતુ પાકિસ્તાન સાથે રમવું કે નહીં તે સરકાર નક્કી કરશે, પરંતુ કોઈ પણ ક્રિકેટ મેચ કે કોઈ પણ ફિલ્મ આપણા લોકો કરતાં વધુ મહત્વપૂર્ણ ન હોઈ શકે. તે આપણા સૈનિકોના જીવન કરતાં વધુ મહત્વપૂર્ણ ન હોઈ શકે."
કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું હતું કે શું તમે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ઇંગ્લેન્ડ પ્રવાસ પર લઈ જઈ રહ્યા છો. આ અંગે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે રોહિત શર્મા કે વિરાટ કોહલીને ટીમમાં સામેલ કરવા તેમના હાથમાં નથી કારણ કે ટીમની પસંદગી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે છે. ગંભીરે કહ્યું કે કોચ તરીકે તેમનું કામ ફક્ત ટીમમાંથી શ્રેષ્ઠ પ્લેઇંગ-11 તૈયાર કરવાનું છે.
ગૌતમ ગંભીરે કહ્યું, "આ જે માન્યતા છે તેને સમાપ્ત કરવી જોઈએ કે ફક્ત કોચ જ ટીમને તૈયાર કરે છે. મારા પહેલાના કોચ ટીમની પસંદગી કરતા નહોતા અને હું પણ આવું કરતો નહોતો. પસંદગીકારો આ પ્રશ્નનો જવાબ મારા કરતાં વધુ સારી રીતે આપી શક્યા હોત."
આ જ ઇન્ટરવ્યુમાં, ગંભીરને પૂછવામાં આવ્યું હતું કે એવી અફવાઓ છે કે રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે કોઈ અણબનાવ છે. જેનો તીખો જવાબ આપતા ગૌતમ ગંભીરે કહ્યું, "સૌ પ્રથમ, હું પૂછવા માંગુ છું કે આવા પ્રશ્નો પૂછનારા લોકો કોણ છે? આ ફક્ત સોશિયલ મીડિયા અને યુટ્યુબ ચેનલો ચલાવતા લોકો દ્વારા જ કહેવામાં આવે છે જેથી તેમનો ટીઆરપી વધે."
ગંભીરે કહ્યું કે ટીમ ઈન્ડિયાએ 2 મહિના પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તેમણે કહ્યું, "જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફી ન જીતી હોત, તો મને ખબર નથી કે મીડિયામાં મને કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હોત."
2011ના વર્લ્ડ કપમાં તેની ઇનિંગ વિશે પૂછવામાં આવતા ગંભીરે કહ્યું, એક સામાન્ય માણસે મને તે ઇનિંગ માટે ઘણો પ્રેમ આપ્યો છે. તમે પ્રશંસા માટે ક્રિકેટ નથી રમતા.
વિરાટ કોહલી સાથેની મિત્રતાના પ્રશ્ન પર ગૌતમ ગંભીરે કહ્યું કે, અમે મિત્રો હતા અને મિત્રો રહીશું. દરેક વ્યક્તિ માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે જ્યારે તમે મેદાન પર અલગ-અલગ ટીમો માટે રમો છો, ત્યારે તમને લડવાનો અધિકાર છે, પરંતુ મેદાનની બહાર તમારો સંબંધ કેવો છે તે દરેકને ખબર નથી અને જાણવું પણ જોઈએ નહીં.




















