IND vs PAK Asia Cup: ભારત અને પાકિસ્તાનની ટીમ પર ICCએ આ ભૂલ બદલ લીધું એક્શન, બંને ટીમોને ફટકાર્યો દંડ
એશિયા કપ 2022માં રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતની શાનદાર જીત થઈ હતી. જો કે, આ દરમિયાન સ્લો ઓવર રેટના કારણે બંને ટીમોને દંડ ફટકારવામાં આવ્યો છે.
Ind VS Pak Asia Cup: એશિયા કપ 2022માં રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતની શાનદાર જીત થઈ હતી. જો કે, આ દરમિયાન સ્લો ઓવર રેટના કારણે બંને ટીમોને દંડ ફટકારવામાં આવ્યો છે. બંને ટીમોને તેમની મેચ ફીના 40 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ મેચ દરમિયાન બંને ટીમો તરફથી નિર્ધારીત સમય મર્યાદામાં ઓવર રેટ જાળવી રાખવામાં આવ્યો ન હતી. જેથી કરીને ICC કોડ ઓફ કંડક્ટના આર્ટીકલ 2.22 મુજબ આ દંડ ફટકાર્યો છે.
બંને ટીમોને મેચ ફીના 40 ટકા દંડ ચૂકવવો પડશેઃ
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ મેચ ખુબ જ રોમાંચક રહી હતી. જો કે, આ રોમાંચક મેચમાં બંને ટીમો પર દંડ ફટકારવામાં આવ્યો છે. આઈસીસી દ્વારા ભારત અને પાકિસ્તાનની ટીમને 40 ટકાનો દંડ કરાયો છે. બંને ટીમો પોતાની ફિલ્ડીંગ દરમિયાન ઓવર પુર્ણ કરવા માટે નક્કી કરેલા સમય કરતાં વધુ સમય લઈ રહી હતી. આ દંડ ખેલાડીઓની મેચ ફીના હિસાબે લગાવામાં આવે છે. આ મુજબ ભારતના ખેલાડીઓને આ દંડથી વધુ ખોટ સહન કરવી પડશે કારણ કે, પાકિસ્તાનના ખેલાડીઓ કરતાં ભારતના ખેલાડીઓની મેચ ફી વધારે છે.
એક ઓવર સ્લો થાય તો 20 ટકા દંડઃ
મેચ રેફરી જેફ ક્રોએ અનુસાર રોહિત શર્મા અને બાબર આઝમ બંને કેપ્ટન ઓવર ફેંકવા માટેના તેમના નક્કી સમય કરતાં બે ઓવરથી પાછળ હતા. ICCએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ખેલાડીઓ અને તેમના સહયોગી સ્ટાફ માટે ધીમી ઓવર ગતિ સંબંધિત આઈસીસીની આચાર સંહિતાના અનુચ્છેદ 2.22 મુજબ ખેલાડીઓ પર નિર્ધારિત સમય કરતાં એક ઓવરથી પાછળ રહેવા માટે 20 ટકાનો દંડ ફટકારવામાં આવે છે.
ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતુંઃ
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ 5 વિકેટેથી મેચ જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 147 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે આ લક્ષ્યાંક છેલ્લી ઓવરમાં મેળવી લીધો હતો. હાર્દિક પંડ્યાએ ભારત માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી, જેમાં તેણે 17 બોલમાં 33 રન બનાવ્યા હતા અને 3 વિકેટ પણ લીધી હતી.