Asia Cup Super 4 Scenarios: એશિયા કપમાંથી બે ટીમ બહાર, એકને સુપર-4માં મળ્યું સ્થાન, ત્રણ સ્થાન માટે કેટલી ટીમો રેસમાં?
Asia Cup Super 4 Scenarios: ભારત સુપર ફોર માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી જ્યારે ઓમાન રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી

Asia Cup Super 4 Scenarios: સોમવારે એશિયા કપ 2025માં બે મેચ બાદ સુપર-4નું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ગ્રુપ- Aમાં UAE એ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં બપોરના મેચમાં ઓમાનને 42 રનથી હરાવ્યું હતું. જ્યારે ગ્રુપ-બીમાં શ્રીલંકાએ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં હોંગકોંગને હરાવ્યું હતું. UAEની જીત પછી ભારત સુપર ફોર માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી જ્યારે ઓમાન રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી. એશિયા કપમાં હોંગકોંગની સફર પણ શ્રીલંકા સામે હાર્યા બાદ સમાપ્ત થઈ ગઈ છે.
રવિવારે પાકિસ્તાન પર ભારતની સાત વિકેટની મજબૂત જીતથી તેમને ચાર પોઈન્ટ મળ્યા હતા, જેનાથી તેઓ આગળના રાઉન્ડમાં પહોંચી ગયા છે. UAEની જીતે સુપર 4 માટેનો તેમની આશા જીવંત રાખી છે. આ જીત સાથે પાકિસ્તાન પર બહાર થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. પાકિસ્તાનની સાથે UAEના પણ બે પોઈન્ટ છે. હવે ગ્રુપ Aમાંથી સુપર 4માં જવા માટે આ બંને ટીમો વચ્ચે નોકઆઉટ મેચ થશે. UAE અને પાકિસ્તાન બુધવાર, 17 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ મેચમાં ટકરાશે. જે જીતશે તે આગળના રાઉન્ડમાં પ્રવેશ કરશે.
શ્રીલંકાએ હોંગકોંગની ટુર્નામેન્ટનો નિરાશાજનક અંત કર્યો હતો. ઓમાન પછી ટુર્નામેન્ટમાંથી બહાર થનારી બીજી ટીમ બની. જો તેઓ આ મેચ જીતી ગયા હોત તો તેમની પાસે ક્વોલિફાય થવાની થોડી તક હોત. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન હજુ પણ સુપર 4ની રેસમાં છે.
ક્વોલિફાય થવાનું સંપૂર્ણ ગણિત
ગ્રુપમાં ફક્ત બે મેચ બાકી છે: 16 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ અને 18 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા. જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશને હરાવે છે તો તેઓ ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ શ્રીલંકા માટે પણ ક્વોલિફાય સુનિશ્ચિત કરશે. આનો અર્થ એ થશે કે બાંગ્લાદેશ બે પોઈન્ટથી આગળ વધી શકશે નહીં અને અફઘાનિસ્તાન અને શ્રીલંકા પાસે ચાર પોઈન્ટ હશે.
જો બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવે છે તો બાંગ્લાદેશ અને શ્રીલંકા બંને પાસે ચાર ચાર પોઈન્ટ હશે અને અફઘાનિસ્તાન પાસે એક મેચ અને બે પોઈન્ટ બાકી રહેશે. આ કિસ્સામાં જો શ્રીલંકાની ટીમ અફઘાનિસ્તાનને હરાવે છે તો તેઓ પોતાના અને બાંગ્લાદેશ માટે ક્વોલિફાય સુનિશ્ચિત કરશે. તેનાથી વિપરીત જો શ્રીલંકા હારી જાય છે, તો ત્રણેય ટીમો ચાર પોઈન્ટ પર સમાપ્ત થશે અને ટોચની બે ટીમોનો નિર્ણય નેટ રન-રેટ પર કરવામાં આવશે.
એશિયા કપ 2025 સુપર ફોર સમીકરણ સમજો
ભારત: સુપર ફોર માટે ક્વોલિફાય થઈ ગયું છે.
પાકિસ્તાન: UAE ને હરાવવું પડશે.
UAE: પાકિસ્તાનને હરાવવું પડશે.
ઓમાન: હવે ક્વોલિફાય થઈ શકશે નહીં.
અફઘાનિસ્તાન: 16 સપ્ટેમ્બરે બાંગ્લાદેશને હરાવે. જો નહીં તો 18 સપ્ટેમ્બરે શ્રીલંકાને એટલા મોટા માર્જિનથી હરાવે તે તેઓ તેમના NRR ને ટોચના બેમાં જાળવી શકે.
શ્રીલંકા: આશા રાખશે કે અફઘાનિસ્તાન 16 સપ્ટેમ્બરે બાંગ્લાદેશને હરાવશે. જો નહીં, તો શ્રીલંકાએ 18 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનને હરાવવું પડશે અથવા આશા રાખવી પડશે કે તેમનો NRR ટોચના બેમાં રહેશે પછી ભલે અફઘાનિસ્તાન જીત મેળવે.
બાંગ્લાદેશ: 16 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનને હરાવે અને પછી આશા રાખે કે શ્રીલંકા 18 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનને હરાવશે અથવા તેમનો NRR ટોચના બેમાં રહેશે.




















