Women T20 WC 2023: સ્પૉટ ફિક્સિંગના ચક્કરમાં ફસાઇ બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમ, બે ખેલાડીઓની ઓડિયો રેકોર્ડિંગ લીક
બાંગ્લાદેશની એક મીડિયા ચેનલે આ બંને ખેલાડીઓની ઓડિયો ક્લિપ લીક કરી છે
Bangladesh Spot Fixing Women's T20 World Cup 2023: દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપમા હવે સ્પોટ ફિક્સિંગના રિપોર્ટે ખળભળાટ મચાવ્યો છે. એક રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની બે મહિલા ખેલાડીઓ પર સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો છે. બાંગ્લાદેશની એક મીડિયા ચેનલે આ બંને ખેલાડીઓની ઓડિયો ક્લિપ લીક કરી છે, જેમાં બંને સ્પોટ ફિક્સિંગ વિશે વાત કરતા સાંભળવા મળી રહ્યા છે.
સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં ફસાયા બાંગ્લાદેશી ખેલાડીઓ
ઢાકા સ્થિત ટીવી ચેનલ જમુના ટીવીના અહેવાલ મુજબ બાંગ્લાદેશની ખેલાડી લતા મંડલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ફરિયાદ કરી છે કે તેના એક વરિષ્ઠ ખેલાડી શોહલે અખ્તરે તેને સ્પોટ ફિક્સિંગની ઓફર કરી છે. નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીએ ટી20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ-ઓસ્ટ્રેલિયાની મેચ બાદ સ્પોટ ફિક્સિંગનો આ મામલો સામે આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, શોહેલે અખ્તરને એક બુકીએ કહ્યું હતું કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ ભ્રષ્ટ છે. આ ખોટું સાબિત કરવા માટે શોહલેએ લતા મંડલને સ્પોટ ફિક્સિંગ કરવાની ઓફર કરી હતી. રિપોર્ટ અનુસાર, લીક થયેલા ઓડિયોમાં શોહલેએ લતાને કહ્યું કે ડરવાની કોઈ વાત નથી. હું તમને નુકસાન નહીં પહોંચાડીશ.
ઓડિયો રેકોર્ડિંગ લીક
આ સિવાય શોહલે લતાને કહે છે કે જ્યારે તમે ઇચ્છો ત્યારે ઠીક કરો અને જ્યારે ન કરો ત્યારે ના કરો. શોહલેએ લતાને આગળ કહ્યું કે, જો તમે એક મેચમાં સારું પ્રદર્શન કરો છો, તો બીજી મેચમાં સ્ટમ્પિંગ અથવા હિટ વિકેટ થઈ શકે છે. જો કે લતાએ જવાબમાં કહ્યું કે, હું આ બધી બાબતોમાં પડવા માંગતી નથી. હું આ કરી શકતી નથી. મહેરબાની કરીને મને આ બધી વાતો ના કહે. જે બાદ લતા મંડલે આ અંગે બીસીબીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ મામલો સામે આવ્યો હતો. બીસીબીના એક અધિકારીએ સ્પોર્ટ્સ વેબસાઈટ ESPN ક્રિકઈન્ફોને જણાવ્યું છે કે તેઓ અને આઈસીસીની ભ્રષ્ટાચાર વિરોધી એકમ આ મામલાની તપાસ કરી રહ્યા છે અને તેમના ખેલાડીઓ જાણે છે કે તેઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર અને વુમન્સ વિંગના અધ્યક્ષ શૈફુલ આલમ ચૌધરી નાડેલે બાંગ્લાદેશી અખબાર ડેઈલી સ્ટારને જણાવ્યું હતું કે વર્લ્ડ કપ ટીમના અમારા ક્રિકેટરને ફિક્સિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, જેણે તરત જ આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU)ને તેની જાણ કરી હતી. હવે એસીયુ બાકીનું કામ સંભાળશે. અમારી પાસે આ બાબત પર અધિકારક્ષેત્ર નથી, કારણ કે આ એસીયુ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. પરંતુ અમે આ બાબતથી વાકેફ છીએ.