India Squad: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાને લઈ આવ્યું મોટું અપડેટ, તારીખ અને નવા ટેસ્ટ કેપ્ટન....
રોહિત-વિરાટની નિવૃત્તિ બાદ સુકાની પદ માટે ગિલનું નામ મોખરે; ચોથા ક્રમે કોણ રમશે તે અંગે પણ અટકળો તેજ.

India squad for England Test 2025: ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે મોટા સમાચાર છે. ઇંગ્લેન્ડ પ્રવાસ ૨૦૨૫ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત આવતીકાલે, ૨૪ મેના રોજ થવા જઈ રહી છે. આ જાહેરાત સાથે જ ટેસ્ટ ટીમના નવા કેપ્ટન અંગેની અટકળોનો પણ અંત આવશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ, નવા સુકાનીના નામ પર ચર્ચા ચાલી રહી છે.
ભારતીય ક્રિકેટ ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ઇંગ્લેન્ડ પ્રવાસ ૨૦૨૫ માટે ભારતીય ટીમની જાહેરાત આવતીકાલે, ૨૪ મેના રોજ બપોરે ૧:૩૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન અંગેની અનિશ્ચિતતાનો અંત આવશે, જેમાં શુભમન ગિલ નું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ, ભારતીય ટેસ્ટ ટીમના સુકાની પદ માટે ઘણા નામો ચર્ચામાં હતા. તાજેતરમાં, જસપ્રીત બુમરાહનું નામ પણ કેપ્ટનશીપ માટે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ એવી અટકળો છે કે બુમરાહ ફિટનેસ સમસ્યાઓના કારણે ઇંગ્લેન્ડ સામેની બધી ૫ ટેસ્ટ મેચ રમી શકશે નહીં, જે તેને કેપ્ટનશીપ ન મળવાનું એક મોટું કારણ બની શકે છે. આ સંજોગોમાં, યુવા બેટ્સમેન શુભમન ગિલને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.
વિરાટ કોહલીનું સ્થાન કોણ લેશે?
વિરાટ કોહલી લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમમાં નંબર-૪ બેટ્સમેન તરીકેનો ભાર ઉઠાવી રહ્યા હતા. હવે તેમની નિવૃત્તિ પછી, ઇંગ્લેન્ડ પ્રવાસમાં ચોથા નંબરે કોણ બેટિંગ કરશે તે એક મોટો પ્રશ્ન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રેયસ ઐયર સફેદ બોલના ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ તેને ટેસ્ટ ટીમમાં પાછા ફરવા માટે થોડી રાહ જોવી પડી શકે છે.
આવી સ્થિતિમાં, ટેસ્ટ ટીમમાં વાપસી માટે કરુણ નાયર ના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેમણે છેલ્લી સ્થાનિક સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, કેએલ રાહુલને પણ બીજા વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે, જે ટોપ ઓર્ડર તેમજ મિડલ ઓર્ડરમાં ફિટ થઈ શકે છે.
આવતીકાલે મુંબઈમાં BCCI મુખ્યાલયમાં એક બેઠક બોલાવવામાં આવશે, જેમાં ટીમની પસંદગી અને કેપ્ટનશીપ અંગે અંતિમ નિર્ણય લેવાશે, ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.




















