૧૦૨૧ દિવસ બાદ ટીમ ઈન્ડિયામાં KL રાહુલની મેગા વાપસીના સંકેત! IPL ૨૦૨૫ ની વચ્ચે આવ્યું મોટું અપડેટ
નવેમ્બર ૨૦૨૨ પછી ભારત માટે T20 ન રમનાર રાહુલ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં જોવા મળી શકે છે, IPL ૨૦૨૫માં ૧૪૮ના સ્ટ્રાઈક રેટથી ૪૯૩ રન બનાવી ટીકાકારોને શાંત કર્યા.

KL Rahul T20 comeback 2025: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ આગામી સમયમાં ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેગા વાપસી કરી શકે છે. IPL ૨૦૨૫માં તેના શાનદાર પ્રદર્શનને કારણે તેને બાંગ્લાદેશ સામેની આગામી સફેદ બોલ શ્રેણી માટે ભારતીય ટી૨૦ સ્ક્વોડમાં સ્થાન મળી શકે છે, તેવો એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જો આવું થશે, તો રાહુલ ૧૦૨૧ દિવસ પછી ભારત માટે ટી૨૦ મેચ રમતો જોવા મળશે.
IPL ૨૦૨૫માં રાહુલનું પ્રદર્શન ટીકાકારો માટે જવાબ
કેએલ રાહુલ છેલ્લા બે વર્ષથી માત્ર વનડે અને ટેસ્ટ મેચોમાં જ ભારતીય ટીમનો ભાગ બનતો જોવા મળ્યો છે અને નવેમ્બર ૨૦૨૨ પછી તેણે ભારત માટે કોઈ ટી૨૦ મેચ રમી નથી. સામાન્ય રીતે તેના સ્ટ્રાઈક રેટ માટે ટીકાઓનો ભોગ બનતા રાહુલને IPL ૨૦૨૫માં તેના પ્રદર્શને ટીકાકારોના મોં બંધ કરી દીધા છે.
IPL ૨૦૨૫માં રાહુલે અત્યાર સુધીમાં ૧૧ મેચોમાં ૬૧.૬૩ની પ્રભાવશાળી સરેરાશથી ૪૯૩ રન બનાવ્યા છે. આ સિઝનમાં તેના બેટમાંથી એક શાનદાર સદી અને ત્રણ અડધી સદી પણ આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે રાહુલે IPL ૨૦૨૫માં ૧૪૮ના સારા સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. આ ઉત્તમ બેટિંગને કારણે પસંદગીકારો તેનાથી પ્રભાવિત થયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
૧૦૨૧ દિવસ પછી થશે વાપસી
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, જો કેએલ રાહુલને બાંગ્લાદેશ સામેની ટી૨૦ ટીમમાં સ્થાન મળે છે, તો તે ૧,૦૨૧ દિવસ પછી ભારત માટે ટી૨૦ મેચ રમશે. તે છેલ્લે ૨૦૨૨ના ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત માટે રમતો જોવા મળ્યો હતો, જ્યાં તે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે માત્ર ૫ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
બાંગ્લાદેશ પ્રવાસ IPL ૨૦૨૫ના સમાપન પછી ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ઓગસ્ટ મહિનામાં થવાનો છે, જેમાં બંને ટીમો વચ્ચે ૩ વનડે અને ૩ ટી૨૦ મેચ રમાવાની છે.
કેએલ રાહુલની સંપૂર્ણ ટી૨૦ કારકિર્દી પર એક નજર
રાહુલની સમગ્ર ટી૨૦ આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધીમાં ૭૨ મેચોમાં ૨,૨૬૫ રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેના નામે ૨ સદી અને ૨૨ અડધી સદી પણ નોંધાયેલી છે. IPL ૨૦૨૫માં મેળવેલું ફોર્મ તેને ફરીથી ભારતીય ટી૨૦ સેટઅપમાં લાવશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.




















