Team India: વિરાટ કોહલી અને રોહિત શર્માને BCCIનો 'આદેશ', એક જ શરત પર મળશે ટીમ ઈન્ડિયામાં સ્થાન
વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય પર હજુ પણ અનિશ્ચિતતા છવાયેલી છે

Team India: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો થયાને ઘણા દિવસો થઈ ગયા છે, પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય પર હજુ પણ અનિશ્ચિતતા છવાયેલી છે. ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી બંને ભારતીય ક્રિકેટ દિગ્ગજ હવે ફક્ત વન-ડે ક્રિકેટમાં એક્ટિવ છે. તેમના બાકાત અને નિવૃત્તિ અંગેની અટકળો વચ્ચે તેઓએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વન-ડે સીરિઝમાં વાપસી કરી હતી પરંતુ તેમનું સ્થાન અનિશ્ચિત છે. દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હવે બંને પર એક શરત મૂકી છે. જો તેઓ સ્થાનિક ક્રિકેટ રમે તો જ તેઓ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે લાયક બનશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ મેચની વન-ડે સીરિઝમાં ભાગ લીધા પછી વિરાટ અને રોહિત હાલમાં મેદાનથી દૂર છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં ટી-20 સીરિઝ રમી હતી અને હવે તે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી રમશે. જોકે, દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ અગાઉ BCCI એ બંને સ્ટાર ખેલાડીઓને સ્થાનિક ક્રિકેટ રમવાનો આદેશ જાહેર કર્યો છે.
ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક અહેવાલમાં ખુલાસો થયો છે કે ભારતીય બોર્ડે બંને ભૂતપૂર્વ કેપ્ટનોને સ્થાનિક વન-ડે ટુર્નામેન્ટ, વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેવા માટે કહ્યું છે. જોકે, આ ટુર્નામેન્ટ 24 ડિસેમ્બરથી શરૂ થશે. તેથી, આ શરત 30 નવેમ્બરથી શરૂ થનારી ભારત-દક્ષિણ આફ્રિકા વન-ડે સીરિઝ પર લાગુ પડશે નહીં. જોકે, ટીમ ઈન્ડિયાની આગામી વન-ડે સીરિઝ 11 જાન્યુઆરી, 2026થી ન્યૂઝીલેન્ડ સામે રમાશે અને તે ટુર્નામેન્ટ માટે પસંદગી પામવા માટે બંનેને આ શરત પૂરી કરવી પડી શકે છે. બંને સ્ટાર્સ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં તે જોવાનું બાકી છે.
જોકે, રિપોર્ટમાં જણાવાયું છે કે રોહિતે ઘરેલુ ક્રિકેટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને મુંબઈ ક્રિકેટ એસોસિએશનને તેના ઇરાદા વિશે જાણ કરી છે. માત્ર વિજય હજારે ટ્રોફી જ નહીં, રોહિત શર્મા સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં પણ રમતો જોવા મળી શકે છે, જે 26 નવેમ્બરથી શરૂ થશે અને 18 ડિસેમ્બર સુધી ચાલશે. હાલમાં તે સ્પષ્ટ નથી કે દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિમાં પસંદગી માટે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવો પણ ફરજિયાત રહેશે કે નહીં. જ્યાં સુધી વિરાટ કોહલીનો સવાલ છે, રિપોર્ટ અનુસાર, વિજય હજારે ટ્રોફીમાં રમવા અંગેની પરિસ્થિતિ હાલમાં સ્પષ્ટ નથી.



















