નસીબનો ખેલ: જે ટીમને હરાવી, હવે તેના પર જ અફઘાનિસ્તાનનું ભવિષ્ય નિર્ભર! આ રીતે મળશે સેમીફાઈનલની ટિકિટ
વરસાદથી અફઘાનિસ્તાનની આશા ધૂંધળી, પરંતુ ચમત્કારની આશા જીવંત: ઈંગ્લેન્ડની જીત પર ટકેલું છે ભવિષ્ય.

Afghanistan semifinal chances Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોમાંચક વળાંકો વચ્ચે, સેમિફાઇનલની રેસ હવે અત્યંત રસપ્રદ તબક્કામાં પહોંચી છે. ગ્રૂપ સ્ટેજની માત્ર બે મેચ બાકી છે અને સેમિફાઇનલમાં પહોંચવા માટે હજુ એક સ્થાન ખાલી છે. ગ્રૂપ Aમાંથી ભારત અને ન્યુઝીલેન્ડ પહેલાથી જ ક્વોલિફાય થઈ ચૂક્યા છે, જ્યારે ગ્રૂપ બીમાં સ્થિતિ જટિલ બની છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થતાં, અફઘાનિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે, પરંતુ તેઓ હજુ પણ સંપૂર્ણપણે બહાર નથી થયા. હાલમાં, અફઘાનિસ્તાનનું ભાવિ ઈંગ્લેન્ડના હાથમાં છે.
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ બંને ટીમો માટે ‘કરો યા મરો’ સમાન હતી. જો કે, વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો અને આખરે મેચ રદ થતાં બંને ટીમોને 1-1 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો. આ પરિણામ ઓસ્ટ્રેલિયા માટે સેમિફાઇનલની ટિકિટ લઈને આવ્યું, જે 4 પોઈન્ટ સાથે ગ્રુપ બીમાં ટોચ પર પહોંચી ગયું છે. પરંતુ અફઘાનિસ્તાન, 3 મેચમાં 3 પોઈન્ટ અને -0.990ના નેટ રન રેટ સાથે ત્રીજા સ્થાને ધકેલાઈ ગયું છે. દક્ષિણ આફ્રિકા 2 મેચમાં 3 પોઈન્ટ અને 2.140ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે. ગ્રુપ બીમાં હવે માત્ર એક મેચ બાકી છે, જે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ઈંગ્લેન્ડ ભલે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હોય, પરંતુ આ મેચનું પરિણામ અફઘાનિસ્તાનના ભવિષ્યનો ફેંસલો કરશે.
અફઘાનિસ્તાનને સેમિફાઈનલમાં પહોંચવા માટે હવે એક ચમત્કારની જરૂર છે. જો ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને મોટા માર્જિનથી હરાવે તો જ અફઘાનિસ્તાન નેટ રન રેટના આધારે સેમિફાઈનલમાં સ્થાન મેળવી શકે છે. પરંતુ આ સંભાવના અત્યંત ઓછી છે. જો દક્ષિણ આફ્રિકા પ્રથમ બેટિંગ કરે તો ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાના રનને 11.1 ઓવરમાં જ પાર પાડવો પડશે, ત્યારે દક્ષિણ આફ્રિકાનો નેટ રન રેટ અફઘાનિસ્તાનથી ઓછો જશે. અથવા, જો ઇંગ્લેન્ડ પ્રથમ બેટિંગ કરે, તો તેણે એટલા મોટા માર્જિનથી જીતવું પડશે જે અવાસ્તવિક લાગે છે. ઉદાહરણ તરીકે, જો ઈંગ્લેન્ડ 300 રન બનાવે તો તેણે 207 રનના વિશાળ અંતરથી મેચ જીતવી પડશે, જે લગભગ અશક્ય છે.
એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે, અફઘાનિસ્તાનના હાથે જ હાર મળવાથી ઈંગ્લેન્ડ સેમિફાઈનલની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. ટુર્નામેન્ટની આઠમી મેચમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 8 રને હરાવ્યું હતું અને સેમિફાઇનલમાં રહેવાની ઈંગ્લેન્ડની આશા પર પાણી ફેરવી દીધું હતું. હવે, અફઘાનિસ્તાનનું ભાવિ અણધાર્યા સંજોગોમાં ઈંગ્લેન્ડની જીત પર ટકેલું છે, જે એક ક્રૂર વિડંબણા સમાન છે. જો ઈંગ્લેન્ડ કોઈ મોટો અપસેટ સર્જે તો જ અફઘાનિસ્તાન માટે નસીબનો દરવાજો ખુલી શકે છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા તે અસંભવિત લાગે છે.
આ પણ વાંચો....
કોહલીની નજર તેંડુલકરના મહારકોર્ડ પર: ન્યૂઝીલેન્ડ સામે ઇતિહાસ રચવાની સુવર્ણ તક, માત્ર આટલા રન દૂર

