Champions Trophy 2025: આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ, બાંગ્લાદેશ સામે ટકરાશે
Champions Trophy 2025: પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ ગઈ છે અને કરાચીમાં રમાયેલી પહેલી મેચ બાદ હવે નજર દુબઈ તરફ છે

Champions Trophy 2025: પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ ગઈ છે અને કરાચીમાં રમાયેલી પહેલી મેચ બાદ હવે નજર દુબઈ તરફ છે, જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ તેના અભિયાનની શરૂઆત કરશે. ગુરુવાર, 20 ફેબ્રુઆરીના રોજ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં તેની પહેલી મેચમાં બાંગ્લાદેશનો સામનો કરશે. આ બાંગ્લાદેશની પણ પહેલી મેચ હશે. મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાને જીતની દાવેદાર માનવામાં આવી રહી છે પરંતુ લોકોમા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનને લઇને ચર્ચા ચાલી રહી છે.
ટીમ ઇન્ડિયાનું ફોર્મ વર્લ્ડ કપ જેવું જ છે.
ટુર્નામેન્ટની બીજી મેચ ગુરુવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીના વર્તમાન ફોર્મેટને કારણે દરેક મેચ મહત્વપૂર્ણ છે અને એક પણ હાર ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી શકે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા મજબૂત જીત સાથે શરૂઆત કરવાની આશા રાખશે. તેમ છતાં આ મેચ 23 ફેબ્રુઆરીએ યોજાનારી મોટી મેચની તૈયારી તરીકે કામ કરશે. આ જ મેદાન પર ટીમ ઈન્ડિયા રવિવારે પાકિસ્તાનનો સામનો કરશે, જેને ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં સારા ફોર્મ સાથે પ્રવેશ કરી રહી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં કારમી હારમાંથી બહાર નીકળતા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે જોરદાર વાપસી કરી અને ક્લીન સ્વીપ કર્યું હતું. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયા એ જ શૈલીનું ક્રિકેટ રમતી જોવા મળી જે તેને 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં લઈ ગઈ હતી. રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમ ફરી એકવાર એ જ પ્રદર્શન ચાલુ રાખવા અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ સારુ પ્રદર્શન કરવા માંગશે.
જોકે, નજર દુબઈના હવામાન પર પણ રહેશે, જે આ મેચની મજા બગાડી શકે છે. મંગળવારે દુબઈમાં વરસાદ પડ્યો હતો અને ગુરુવારે પણ વરસાદની અપેક્ષા છે. જો આવું થાય તો એ જોવાનું રસપ્રદ રહેશે કે ટીમ ઈન્ડિયા પેસ આક્રમણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે સ્પિન બોલિંગ આક્રમણ પસંદ કરે છે. આવી સ્થિતિમાં મોહમ્મદ શમી સાથે બીજા ફાસ્ટ બોલર તરીકે અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા વચ્ચે સ્પર્ધા થશે. સ્પિનરોની વાત કરીએ તો, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને પ્રથમ મેચમાં સ્થાન મળવું નિશ્ચિત છે.
હારની હેટ્રિક પછી વાપસી કરી શકશે?
જ્યાં સુધી બાંગ્લાદેશનો સવાલ છે જેમ તાજેતરના મહિનાઓમાં દેશમાં ઉથલપાથલ જોવા મળી હતી, તેવી જ સ્થિતિ બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ સાથે પણ જોવા મળી છે. શાકિબ અલ હસનની બોલિંગ એક્શન ગેરકાયદેસર હોવાનું જણાતાં તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો જ્યારે તમીમ ઇકબાલને ટીમમાં પાછા લાવવાના પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા. આ બધા વચ્ચે ટીમનું પ્રદર્શન પણ આવુ જ રહ્યું હતું. બાંગ્લાદેશે ડિસેમ્બર 2024 માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની છેલ્લી ODI શ્રેણી રમી હતી પરંતુ તેને 0-3 થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
