શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર
World Test Championship Final 2025: દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 માટે ક્વોલિફાય કર્યું છે
WTC Final 2025 SA vs SL Equation: દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 માટે ક્વોલિફાય કર્યું છે. બીજી ફાઇનલિસ્ટ ટીમ બનવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયા રેસમાં ટોપ છે. આ સિવાય શ્રીલંકા પણ રેસમાં સામેલ છે. એવું માનવામાં આવે છે કે ડબલ્યુટીસી ફાઇનલમાં ભારત અથવા ઓસ્ટ્રેલિયા બેમાંથી કોઇ એક દક્ષિણ આફ્રિકા સામે રમશે. પરંતુ અમે તમને એક એવું સમીકરણ જણાવીશું, જેના કારણે ભારત કે ઓસ્ટ્રેલિયા નહીં પરંતુ શ્રીલંકા ફાઇનલમાં પહોંચી શકે છે.
દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે WTC સમીકરણ
ડબલ્યુટીસીમાં સ્થાન મેળવવા માટે શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામેની બે મેચની હોમ ટેસ્ટ શ્રેણીમાં 2-0થી જીત નોંધાવવી પડશે. શ્રીલંકા 45.45 જીતની ટકાવારી સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. અહીંથી ઓસ્ટ્રેલિયા સામે 2-0થી જીત નોંધાવ્યા બાદ શ્રીલંકાની જીતની ટકાવારી 53.85 થઈ જશે.
ઓસ્ટ્રેલિયા સામે જીતતા પહેલા શ્રીલંકાએ આશા રાખવી પડશે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થાય. જો ભારત-ઓસ્ટ્રેલિયા સિડની ટેસ્ટ ડ્રો થાય છે અને ત્યારબાદ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શ્રીલંકા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતે છે તો તેમની જીતની ટકાવારી 53.85 થઈ જશે. આ કિસ્સામાં ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 53.51 અને ભારતની 51.75 હશે. આ દૃષ્ટિએ શ્રીલંકાની ટીમ બીજા સ્થાને પહોંચીને ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે.
ઓસ્ટ્રેલિયા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શ્રીલંકાનો પ્રવાસ કરશે
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ, જે આ દિવસોમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહી છે, તે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બે મેચની ટેસ્ટ શ્રેણી અને એક વનડે મેચ માટે શ્રીલંકાના પ્રવાસે જશે. ટેસ્ટ શ્રેણી 29 જાન્યુઆરીથી શરૂ થશે. ત્યારબાદ બીજી ટેસ્ટ 06 ફેબ્રુઆરીથી રમાશે. બંને ટેસ્ટ ગાલેના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બંને વચ્ચે એકમાત્ર વનડે 13 ફેબ્રુઆરીએ રમાશે.