IND VS AUS: BCCIનો મોટો નિર્ણય, ત્રીજી ટેસ્ટમાં મેચની જગ્યા બદલી, જાણો હવે ક્યાં રમાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ ગઈ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ એક દાવ અને 132 રને જીત મેળવી હતી.
IND VS AUS 3rd Test of Border-Gavaskar Trophy: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ ગઈ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ એક દાવ અને 132 રને જીત મેળવી હતી. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયામાં પિચને લઈને ઘણો હોબાળો થયો હતો. હવે એવા અહેવાલ છે કે આ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચ ધર્મશાળામાં રમાવાની છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની બીજી મેચ દિલ્હીમાં રમાવાની છે. ત્યાર બાદ બંને ટીમો ધરમશાલામાં ત્રીજી ટેસ્ટ મેચ રમવાની હતી, પરંતુ આ અંગે શેડ્યૂલમાં ફેરફારની માહિતી છે. માનવામાં આવી રહ્યું છે કે ધર્મશાલાનું સ્ટેડિયમ આ મેચનું આયોજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી, જેના કારણે આ ત્રીજી ટેસ્ટ મેચને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે.
InsideSport અનુસાર, BCCI અધિકારીએ કહ્યું હતું કે, એ બાબત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મેચને ધર્મશાલાથી શિફ્ટ કરવી પડશે. મેચ શરૂ થવાની છે ત્યાં સુધીમાં આ જગ્યા તૈયાર નહીં થાય. એચપીસીએએ આ જગ્યાને મેચની યજમાની માટે તૈયાર કરવા માટે બધું જ કર્યું છે પરંતુ અહીંના આઉટફિલ્ડને આંતરરાષ્ટ્રીય મેચના સ્તરે પહોંચવામાં થોડો વધુ સમય લાગશે. વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરીએ તો તે અત્યારે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરવા યોગ્ય નથી.
કયા મેદાન પર રમાશે ત્રીજી ટેસ્ટ?
બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે, ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે ધર્મશાલા ટેસ્ટ મેચનું આયોજન કરી શકશે નહીં. એકવાર અહીં કામ પૂર્ણ થઈ જશે ત્યાર બાદ અમે ચોક્કસપણે ODI વર્લ્ડ કપ પહેલા કેટલીક મેચો યોજવાનો પ્રયાસ કરીશું. જ્યાં સુધી ત્રીજી ટેસ્ટ મેચની વાત છે તો મોહલી આ મેચની યજમાની કરવા માટે તૈયાર છે અને અમારી પાસે વિશાખાપટ્ટનમ, ઇન્દોર અને પુણેના વિકલ્પો પણ છે. અમે ટૂંક સમયમાં તેની જાહેરાત કરીશું.
ભારતે નાગપુર ટેસ્ટ એક ઇનિંગ અને 132 રને જીતી
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને એક દાવ અને 132 રનથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 177 રન જ બનાવી શકી હતી. આ પછી ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગમાં 400 રન બનાવ્યા અને 223 રનની જંગી લીડ મેળવી લીધી. તો બીજી તરફ, બીજી ઇનિંગમાં કાંગારૂ ટીમ માત્ર 91 રન બનાવી શકી હતી.
ટીમ ઈન્ડિયાએ ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. અશ્વિને બીજી ઇનિંગમાં ભારત માટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 37 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. તો ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ અણનમ 25 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ પણ બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે લાંબો સમય ટકી શક્યો નહોતો. અશ્વિન ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને શમીએ બીજી ઈનિંગમાં 2-2 અને અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી.