Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat Fire: આગ વહેલી સવારે લાગવાને કારણે આ માર્કેટમાં વધારે લોકો હતા નહીં, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે

Surat Fire: સુરતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં સવારે ભીષણ આગ લાગવાથી દોડધામ મચી ગઇ હતી, આ આગ રાજ ટેક્સટાઈલ માર્કેટના પહેલા અને સાતમા માળે લાગી હતી. ચન્દ્રા ફેશન અને ઓનલાઈન નાઈટિંગ ક્લોથની દુકાનમાં આગ લાગતા આગ અને ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. જોકે આગ કયાકારણોસર લાગી તે અંગે કોઇ માહિતી સામે આવી નથી પરંતુ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું તારણ છે. આગ હોલવવા 15 થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આજે સવારે સુરતમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના ઘટી હતી, શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા આ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે, જોકે, કોઇ જાન કે માલ હાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ વહેલી સવારે લાગવાને કારણે આ માર્કેટમાં વધારે લોકો હતા નહીં, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. આ માર્કેટમાં કાપડ હોવાને કારણે મોટી માત્રામાં નુકસાની થઈ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ આગ એટલી પ્રચંડ છે કે સવારે સાત વાગ્યાની આસપાસ લાગેલી આગ કલાકોની જહેમત બાદ પણ સાડા દસે પણ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. જોકે, આગ લાગ્યાના કોલ મળતાની સાથે જ યુદ્ધના ધોરણે ફાયરની ટીમ આવી ગઈ હતી અને આગને બુઝાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં 15થી વધુ ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી છે.
આ પહેલા ગોવામાં નાઇટ ક્લબમાં લાગી હતી આગ
ગોવાના અર્પોરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં ત્રેવીસ લોકોના મોત થયા હતા. ઘાયલોની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આગ લગભગ 12:00 વાગ્યે લાગી હતી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક ધારાસભ્ય માઈકલ લોબો ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણથી ચાર પ્રવાસીઓનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે ત્રણ લોકોના મોત દાઝી જવાથી અને બાકીના લોકોના શ્વાસ રૂંધાવાથી થયા છે. ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક માહિતી સૂચવે છે કે નાઈટક્લબે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કર્યું ન હતું. અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ મેળવ્યો. વરિષ્ઠ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. આજે સવારે, ફોરેન્સિક (FSL) ટીમ આગના ચોક્કસ કારણની તપાસ કરશે.





















