Ind vs Aus World Test Championship: અમદાવાદ ટેસ્ટ ડ્રો થઇ તો WTC ફાઇનલમાં પહોંચશે ટીમ ઇન્ડિયા? જાણો સમીકરણ?
ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર જીત મેળવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (2021-23)ની ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે
ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને નવ વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 76 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે રમતના ત્રીજા દિવસ (3 માર્ચ)ના પહેલા જ સેશનમાં હાંસલ કરી લીધો હતો. હવે બંને ટીમોની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
#WTC23 Final bound 🏆
— ICC (@ICC) March 3, 2023
Congratulations Australia. See you in June! 👋 pic.twitter.com/H2YdaWPzYV
ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર જીત મેળવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (2021-23)ની ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ હારને કારણે ભારતીય ટીમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની રાહ થોડી મુશ્કેલ બની ગઇ છે. હવે ભારતીય ટીમ માટે અમદાવાદ ટેસ્ટ જીતવી ખૂબ જ મહત્વની બની રહેશે. જો ભારતીય ટીમ અમદાવાદમાં જીતશે તો ફાઇનલમાં પહોંચી જશે.
અમદાવાદ ટેસ્ટ ડ્રો થશે તો શું થશે?
ચાહકોના મનમાં સવાલ ઉઠતો હશે કે જો અમદાવાદ ટેસ્ટ ડ્રો થશે તો શું ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી શકશે? જો ઓસ્ટ્રેલિયા સામેની અમદાવાદ ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થાય તો ભારત માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં શ્રીલંકા માટે દરવાજા ખુલશે અને તે ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી 2-0થી જીતીને ફાઇનલમાં પહોંચી શકે છે.
સારી વાત એ છે કે અમદાવાદ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થાય અથવા ઓસ્ટ્રેલિયા જીતે તો પણ ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી શકે છે. પરંતુ આ માટે ભારતે પ્રાર્થના કરવી પડશે કે ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામે ઓછામાં ઓછી એક મેચ જીતે અથવા ડ્રો કરે. આવી સ્થિતિમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. કોઈપણ રીતે શ્રીલંકા માટે બંને મેચોમાં ન્યૂઝીલેન્ડને હરાવવું ઘણું મુશ્કેલ હશે. શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 9 માર્ચથી જ રમાવાની છે.
ઈન્દોર ટેસ્ટ મેચ બાદ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ભારત સામેની છેલ્લી મેચ હારવાની સ્થિતિમાં પણ ઓસ્ટ્રેલિયન ટીમ પહેલા જેવી જ સ્થિતિમાં રહેશે. ઓસ્ટ્રેલિયાની ટીમના હાલમાં 68.52 ટકા માર્ક્સ છે જ્યારે ભારતીય ટીમ 60.29 ટકા માર્ક્સ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. આ પછી અનુક્રમે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાનો નંબર આવે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂનથી ઓવલ ખાતે રમાશે.