IND vs ENG: અશ્વિને રચ્યો ઈતિહાસ, 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ભારતમાં પ્રથમ વખત ટેસ્ટમાં બન્યુ આમ
ભારતે ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ જીતી લીધી છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં 106 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે.
નવી દિલ્હી: ભારતે ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ જીતી લીધી છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં 106 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને ભારત માટે બીજી ટેસ્ટમાં કુલ ત્રણ વિકેટ લીધી હતી. આ મેચ દરમિયાન તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.
અશ્વિન ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બન્યો હતો. તેણે આ મામલે પૂર્વ સ્પિનર ભાગવત ચંદ્રશેખરને પાછળ છોડી દીધા છે. અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 21 ટેસ્ટમાં 97 વિકેટ લીધી છે. ચંદ્રશેખરે 1964 થી 1979 વચ્ચે 23 ટેસ્ટમાં 95 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડના બેન ડકેટને આઉટ કરીને તેણે ચંદ્રશેખરનો 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. હવે તે ઇંગ્લિશ ટીમ સામે 100 વિકેટ પૂરી કરવાથી માત્ર ત્રણ પગલાં દૂર છે.
અશ્વિન પાસે વિશાખાપટ્ટનમમાં ચાર વિકેટ લઈને મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક હતી. તે 500 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની શક્યો હોત, પરંતુ એવું બન્યું નહીં. હવે તેના નામે 97 ટેસ્ટમાં 499 વિકેટ છે. હવે અશ્વિને 500 વિકેટ પૂરી કરવા માટે ઓછામાં ઓછા 10 દિવસ રાહ જોવી પડશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.
ટેસ્ટ ઈતિહાસમાં આ બીજી વખત બન્યું છે કે જ્યારે કોઈ બોલર મેચ પૂરી થયા બાદ 499 વિકેટના આંકડા પર છે. આ પહેલા ગ્લેન મેકગ્રા સાથે આવું બન્યું હતું. 2005માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સમાપ્ત થયા બાદ તેની 499 વિકેટ હતી. બાદમાં તેણે 563 વિકેટ સાથે તેની કારકિર્દી પૂરી કરી.
ભારત અને ઈંગ્લેન્ડની ટીમ ચારેય દાવમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પ્રથમ દાવમાં 396 રન અને બીજા દાવમાં 255 રન બનાવ્યા હતા. આ સાથે જ ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 253 રન અને બીજા દાવમાં 292 રન બનાવ્યા હતા. ભારતમાં રમાયેલી ટેસ્ટ મેચોમાં આ પ્રથમ વખત બન્યું છે કે બંને ટીમોએ પોતાની બંને ઇનિંગ્સમાં 250થી વધુ રન બનાવ્યા અને ઓલઆઉટ થઈ ગઈ.
ભારત માટે બીજા દાવમાં જસપ્રીત બુમરાહ અને આર. અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે પ્રથમ ઈનિંગમાં 209 ની ઈનિંગ રમી હતી. જેના કારણે ભારતે પ્રથમ ઈનિંગમાં 396 રન બનાવ્યા હતા.