IND vs ENG: સુર્યકુમારનું શતક છતાં ત્રીજી T20 મેચમાં હાર્યું ભારત, 2-1થી સિરીઝ પર ભારતનો કબજો
નોટિંગહામમાં રમાયેલી T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતને 17 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
England vs India T20 Trent Bridge, Nottingham Suryakumar Yadav: નોટિંગહામમાં રમાયેલી T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતને 17 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં સુર્યકુમાર યાદવે તોફાની સદી ફટકારી હતી. જો કે તેમ છતાં ટીમ ઈન્ડિયા જીતી શકી ન હતી. જોકે, ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી 2-1થી કબજે કરી લીધી હતી. ત્રીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડે 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારતીય ટીમ 198 રન જ બનાવી શકી હતી.
ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયા માટે સુર્યકુમાર યાદવે તોફાની ઈનિંગ્સ રમી હતી. તેણે 55 બોલમાં 117 રન બનાવ્યા હતા. સુર્યકુમારની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. આ તેની રેકોર્ડ બ્રેક ઇનિંગ હતી. શ્રેયસ અય્યરે 23 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેણે 2 સિક્સર ફટકારી હતી. આ મેચમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 6 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો.
રોહિત શર્મા પણ 11 રન બનાવીને આઉટ થયો હતો. તેણે બે ચોગ્ગા પણ ફટકાર્યા હતા. રિષભ પંત એક રન બનાવીને આઉટ થયો હતો. દિનેશ કાર્તિક કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 6 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા એક સિક્સરની મદદથી 3 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલ પટેલ 5 રન બનાવીને આઉટ થયો હતો. રવિ બિશ્નોઈ 2 રન બનાવીને આઉટ થયો હતો. અવેશ ખાન એક રન બનાવીને અણનમ રહ્યો હતો. આ રીતે ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 198 રન જ બનાવી શકી હતી.
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. આ દરમિયાન ડેવિડ મલાને 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 39 બોલમાં 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે લિયામ લિવિંગસ્ટોન 42 રને અણનમ રહ્યો હતો. તેણે 29 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. હેરી બ્રુક 19 રન અને ક્રિસ જોર્ડન 11 રન બનાવીને આઉટ થયા હતા. જેસન રોયે 27 રનનું યોગદાન આપ્યું હતું.
ભારત તરફથી હર્ષલ પટેલ અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી. હર્ષલે 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. જ્યારે રવિએ 4 ઓવરમાં 30 રન આપ્યા હતા. અવેશ ખાને 4 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી. ઉમરાન મલિક ઘણો મોંઘો સાબિત થયો. તેણે 4 ઓવરમાં 56 રન આપ્યા હતા.