IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો
ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને હરાવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી. દુબઈમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા 249 રન બનાવ્યા હતા.

India vs New Zealand Match Highlights: ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને હરાવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી. દુબઈમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા 249 રન બનાવ્યા હતા, જેમાં શ્રેયસ અય્યરની 79 રનની ઈનિંગનું મહત્વનું યોગદાન હતું. જવાબમાં ન્યુઝીલેન્ડ ટાર્ગેટ કરતા માત્ર 21 રન ઓછા બનાવી શકી હતી. કેન વિલિયમસને 81 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી શક્યો નહોતો.
ભારતની ઓપનિંગ જોડી, રોહિત શર્મા અને શુભમન ગિલ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. વિરાટ કોહલીની કારકિર્દીની આ 300મી ODI મેચ હતી, જેમાં તે શાનદાર ટચમાં જોવા મળી રહ્યો હતો. પરંતુ ગ્લેન ફિલિપ્સે એવો જાદુઈ કેચ લીધો કે મેદાનમાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. વિરાટે 11 રન બનાવ્યા હતા. પરંતુ સંકટની સ્થિતિમાં શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી, જેમની વચ્ચે 98 રનની ભાગીદારી થઈ હતી.
વરુણ ચક્રવર્તીનો કહેર જોવા મળ્યો
ભારતની જીતમાં સૌથી મોટો ફાળો શ્રેયસ અય્યર અને વરુણ ચક્રવર્તીનો હતો. પહેલા દુબઈની ધીમી પીચ પર શ્રેયસ અય્યરે 79 રનની ઇનિંગ રમી હતી. જ્યારે બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની ટીમને ઘણી પરેશાન કરી હતી. આ ચક્રવર્તીની ચેમ્પિયન્સ ટ્રોફીની ડેબ્યૂ મેચ હતી, જેમાં તેણે 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. વરુણ ચેમ્પિયન્સની ડેબ્યૂ મેચમાં 5 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર છે.
ભારત ગ્રુપ A નું બાદશાહ
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ Aમાં તેની ત્રણેય મેચ જીતીને ટોચ પર છે. ટીમ ઈન્ડિયાએ અગાઉ બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંનેને 6-6 વિકેટના અંતરથી હરાવ્યું હતું. હવે ન્યુઝીલેન્ડનો પણ 44 રને પરાજય થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આ પ્રથમ વખત છે જ્યારે દુબઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરનારી ટીમ વિજયી બની હોય.
વરુણે 5 વિકેટ ઝડપી
પ્રથમ બેટિંગ કરતા ભારતે શ્રેયસ અય્યરની અડધી સદીના આધારે 50 ઓવરમાં નવ વિકેટે 249 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે કેન વિલિયમસને 81 રન બનાવ્યા હતા, પરંતુ ન્યૂઝીલેન્ડ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. વરુણે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું અને 10 ઓવરમાં 42 રન આપીને પાંચ વિકેટ લીધી.



















