IND vs NZ, World Cup Semi-Final: વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગને પાછળ છોડ્યો, વન-ડેમાં સૌથી વધુ રન કરનાર ત્રીજો બેટ્સમેન બન્યો
World Cup Semi-Final: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઈનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર શરૂઆત કરી છે
World Cup Semi-Final: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઈનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર શરૂઆત કરી છે. રોહિત અને ગિલે પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી મજબૂત શરૂઆત અપાવી હતી. રોહિત શર્માના આઉટ થયા બાદ વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પણ આક્રમક બેટિંગ કરી હતી.
કોહલીએ વર્લ્ડકપ સેમિફાઇનલમાં પ્રથમ વખત ડબલ ડિજિટનો સ્કોર બનાવ્યો હતો. આ પહેલા કોહલીએ 2011ની સેમિફાઈનલમાં પાકિસ્તાન સામે 9 રન બનાવ્યા હતા. 2015માં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે માત્ર 1 રન જ બનાવી શક્યો હતો અને 2019ની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે તે માત્ર 1 રન જ બનાવી શક્યો હતો, પરંતુ 2023ના વર્લ્ડ કપની સેમુફાઈનલમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી છે અને સદી તરફ આગળ વધી રહ્યો છે.
કોહલીએ પોન્ટિંગને પાછળ છોડ્યો
સચિન તેંડુલકર (18426) વનડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ટોપ પર છે. બીજા સ્થાને શ્રીલંકાના કુમાર સંગાકારા (14234) છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ (13704) રન સાથે ત્રીજા સ્થાને હતો, પરંતુ હવે કોહલી (13715*) પોન્ટિંગને પાછળ છોડીને ત્રીજા સ્થાને આવી ગયો છે. વિરાટ કોહલી આ મેચમાં સચિન તેંડુલકરના સૌથી વધુ વનડે સદીના રેકોર્ડને તોડીને આગળ વધી શકે છે.
જો આપણે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની વાત કરીએ તો આ મામલે ભારતના સચિન તેંડુલકર નંબર વન છે. આ ફોર્મેટમાં તેના નામે 18,426 રન છે. બીજા સ્થાને શ્રીલંકાના કુમાર સંગાકારા છે. તે વનડેમાં 14,234 રન બનાવવામાં સફળ રહ્યો છે. આ પછી હવે વિરાટ કોહલીનું નામ સામે આવ્યું છે. તે હવે 13,720થી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રિકી પોન્ટિંગની વાત કરીએ તો તેણે પોતાની ODI કરિયર દરમિયાન 13,704 રન બનાવ્યા હતા, પરંતુ હવે કોહલી તેના કરતા પણ આગળ નીકળી ગયો છે. જો આપણે પાંચ નંબરના બેટ્સમેનની વાત કરીએ તો શ્રીલંકાના સનથ જયસૂર્યાએ 13,430 રન બનાવ્યા છે.
આ સાથે વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં આઠ વખત 50થી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે સદી અને છ અડધી સદી ફટકારી છે. આ પહેલા સચિન તેંડુલકર અને શાકિબ અલ હસન એક વર્લ્ડ કપમાં સાત વખત 50 થી વધુ રન બનાવ્યા હતા, હવે વિરાટ કોહલી આ મામલે આગળ નીકળી ગયો છે.