IND vs PAK: ભારત સામે 'કાળી પટ્ટી' બાંધીને રમવા ઉતરશે પાકિસ્તાનની ટીમ, જાણો શું છે કારણ?
એશિયા કપ શરૂ થઇ ચૂક્યો છે ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચથી બંને ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.
IND vs PAK Asia Cup 2022: એશિયા કપ શરૂ થઇ ચૂક્યો છે ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચથી બંને ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે, પાકિસ્તાનની ટીમ ભારત સામે કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું નિવેદનઃ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) એક સત્તાવાર નિવેદન જાહેર કરતાં જણાવ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ એશિયા કપમાં આજે પોતાની પહેલી મેચ ભારતીય ટીમ સામે રમશે. આ મેચમાં પાકિસ્તાની ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરશે. પાકિસ્તાનમાં આવી પડેલી વરસાદી આફતથી સર્જાયેલી તબાહીના કારણે પાક. ટીમના ખેલાડીઓ પુર અસરગ્રસ્ત લોકોના સમર્થન માટે કાળી પટ્ટી બાંધશે.
કેપ્ટન બાબર આઝમે પણ કરી વાતઃ
પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં આવેલા પુરને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું કે, પુર અસરગ્રસ્ત લોકોને મદદ મળે તે માટે પ્રાર્થના કરવા માટે અપીલ કરી હતી. બાબરે કહ્યું હતું કે, અમારા દેશ માટે મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. અમે બધા પુર અસરગ્રસ્ત લોકો માટે દુઆ કરી રહ્યા છીએ.
રોહિત અને રાહુલ ઓપનિંગ કરશે, કિંગ કોહલી ત્રીજા નંબર પર રમશે
એશિયા કપમાં ભારત માટે કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરશે. આ સાથે જ વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમશે. કોહલી ભલે લયમાં નથી, પરંતુ તેમ છતાં તેનું ટીમમાં હોવું વિપક્ષી ટીમ માટે માથાનો દુખાવો બની રહ્યું છે. તે એકલો જ પોતાની ટીમને ગમે ત્યારે જીત તરફ દોરી શકે છે.
આ મિડલ ઓર્ડર હશે
પાકિસ્તાન સામેની મેચમાં સૂર્યકુમાર યાદવ ચોથા નંબરે, રિષભ પંત પાંચમા નંબરે, હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબર પર અને દિનેશ કાર્તિક સાતમા નંબરે રમી શકે છે. સૂર્યકુમાર શાનદાર ફોર્મમાં છે. તે આ ફોર્મેટની રેન્કિંગમાં બીજા નંબરે છે. તે જ સમયે, હાર્દિકની સંપૂર્ણ ચાર ઓવરને કારણે, ટીમ એક વધારાના બેટ્સમેન સાથે જઈ શકે છે.
ટીમ ઈન્ડિયાના બોલિંગ વિભાગની વાત કરીએ તો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સ્પિન વિભાગ સંભાળશે. ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહના ખભા પર ફાસ્ટ બોલિંગ વિભાગની જવાબદારી રહેશે. બંનેને હાર્દિક સમર્થન આપશે.