IND Vs SA 2nd Test: બીજી ટેસ્ટમાં ભારતીય બૉલરોનો તરખાટ, આફ્રિકન ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 55 રનમાં ધરાશાયી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં દેખાઇ રહી છે
IND Vs SA 2nd Test: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં દેખાઇ રહી છે, સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકન ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. પહેલા બેટિંગ કરતાં આફ્રિકન ટીમે માત્ર 55 રનના સ્કૉર પર પોતાની તમામ વિકેટો ગુમાવી દીધી છે. ભારતની ઘાતક બૉલિંગ સામે આફ્રિકન ટીમ માત્ર 55 રનના સ્કૉર પર પહેલી ઇનિંગમાં ધરાશાયી થઇ ગઇ હતી.
મેચ ઇનિંગની વાત કરીએ તો ભારતીય બૉલરોની ચમક ફરી એકવાર કેપટાઉનની પીચ પર જોવા મળી હતી. ભારતીય ટીમે તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજે 6 વિકેટો ઝડપી હતી, સિરાજે પોતાની 6 ઓવરના સ્પેલમાં 3 મેડન સાથે 15 રન આપીને 6 મહત્વની વિકેટો પોતાના નામે કરી હતી, તો વળી બીજીબાજુ બુમરાહ અને મુકેશ કુમાર બે-બે વિકેટો ઝડપવામાં સફળ રહ્યાં હતા.
આફ્રિકન ટીમની વાત કરીએ તો આખી ઇનિંગ દરમિયાન માત્ર બે જ ખેલાડીઓ ડબલ ડિજીટ સુધી પહોંચી શક્યા હતા. ટીમમાં ડેવિડ બેડિંગમ 12 રન અને કાયલી વેરિને 15 રન સુધી પહોંચી શક્યા હતા, આ સિવાય ટીમનો કોઇપણ ખેલાડી પીચ પર ટકી શક્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતી અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે, પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જોકે, આજે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય બૉલરોએ દમખમ બતાવતા પ્રથમ ઇનિંગમાં સાઉથ આફ્રિકાને ધરાશાયી કરી દીધુ છે. ડીન એલ્ગરની કેપ્ટનશીપમાં રમવા ઉતરેલી ટીમ માત્ર 55 રનના સ્કૉર પર પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. ખાસ વાત છે કે, કેપ્ટન ડીન એલ્ગરની આ અંતિમ ટેસ્ટ મેચ છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ
ભારતે આ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં બે બદલાવ કર્યા છે. અશ્વિનની જગ્યાએ જાડેજાને અને શાર્દુલ ઠાકુરના સ્થાને મુકેશ કુમારને સામેલ કરવામાં આવ્યા છે.
ભારતીય ટીમ આ પ્રમાણે છે
રોહિત શર્મા (c), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (wk), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણ, મુકેશ કુમાર