Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા
અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના નવા ચૂંટાયેલા બાર કોંગ્રેસ કાઉન્સિલરોએ ભાજપ સાથે ગઠબંધનન કરવા બદલ કૉંગ્રેસ પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેઓ તમામ હવે ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.
મહારાષ્ટ્રના અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના નવા ચૂંટાયેલા બાર કોંગ્રેસ કાઉન્સિલરો જેમને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પછી ભાજપ સાથે ગઠબંધનન કરવા બદલ કૉંગ્રેસ પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેઓ તમામ હવે ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે બુધવારે આ ઘટનાક્રમની પુષ્ટિ કરતા કહ્યું કે કાઉન્સિલરોનો નિર્ણય સત્તાની લાલસાથી નહીં પરંતુ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાથી પ્રેરિત હતો. "જનતાએ આ કાઉન્સિલરોને ચૂંટ્યા અને તેમણે નાગરિકોને વિકાસનું વચન આપ્યું. તેઓ માને છે કે ભાજપની આગેવાની હેઠળની સરકાર ગતિશીલ છે અને ન્યાય અને વિકાસ પહોંચાડવા સક્ષમ છે,"
કોંગ્રેસ છોડ્યા પછી આ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા
1. પ્રદીપ નાના પાટીલ
2. દર્શના ઉમેશ પાટીલ
3. અર્ચના ચરણ પાટીલ
4. હર્ષદા પંકજ પાટીલ
5. તેજસ્વિની મિલિંદ પાટીલ
6. વિપુલ પ્રદીપ પાટીલ
7. મનીષ મ્હાત્રે
8. ધનલક્ષ્મી જયશંકર
9. સંજવણી રાહુલ દેવડે
10. દિનેશ ગાયકવાડ
11. કિરણ બદ્રીનાથ રાઠોડ
12. કબીર નરેશ ગાયકવાડ
વિવાદ કઈ રીતે શરૂ થયો ?
60 સભ્યોની નગરપાલિકામાં શિવસેના 27 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, જે બહુમતીથી ચાર બેઠકો ઓછી હતી. ભાજપે 14 બેઠકો, કોંગ્રેસે 12 બેઠકો અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ ચાર બેઠકો જીતી, જ્યારે બે અપક્ષો પણ ચૂંટાયા. ચૂંટણી પછીના એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં પરંપરાગત રીતે કટ્ટર હરીફ ભાજપ અને કોંગ્રેસે NCP સાથે ગઠબંધન કરીને અંબરનાથ વિકાસ આઘાડી (AVA) નામનું ગઠબંધન બનાવ્યું, જેનાથી સૌથી મોટો પક્ષ હોવા છતાં શિવસેનાને સાઈડ લાઈન કરવામાં આવી. એક અપક્ષ કાઉન્સિલરના ટેકાથી, ગઠબંધને 32 સભ્યો સાથે બહુમતીનો આંકડો પાર કર્યો.
ભાજપ સાથેના સ્થાનિક ગઠબંધનથી શરમજનક સ્થિતિમાં મૂકાઈ કોંગ્રેસે બુધવારે અંબરનાથમાં તેના નવા ચૂંટાયેલા કાઉન્સિલરો, બ્લોક પ્રમુખ પ્રદીપ પાટિલ સહિત તમામ 12 કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા અને ત્યારબાદ તેના સ્થાનિક બ્લોક યુનિટનું વિસર્જન કર્યું. કલાકો પછી સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલરો પક્ષ બદલીને ભાજપમાં જોડાયા ગયા હતા.
ભાજપે ધારાસભ્યોને કારણદર્શક નોટિસ ફટકારી
અન્ય જગ્યાઓ પર પણ આ પ્રકારની ઘટનાઓને લઈ વિવાદને વધુ વેગ મળ્યો. અકોલા જિલ્લાની અકોટ મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપે અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળના AIMIM સાથે ગઠબંધન કર્યું. ચવ્હાણે કહ્યું કે આ મામલે ભાજપના ધારાસભ્ય પ્રકાશ ભરસખાલેને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ કોંગ્રેસ અને AIMIM સાથે મંજૂરી વગર ગઠબંધન કરવા બદલ સ્થાનિક ભાજપ નેતાઓને ઠપકો આપ્યો. ફડણવીસે કહ્યું, "કોંગ્રેસ અથવા AIMIM સાથે કોઈપણ ગઠબંધન સ્વીકાર્ય રહેશે નહીં. આવા નિર્ણયો પક્ષની શિસ્તનું ઉલ્લંઘન કરે છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા ગઠબંધનને તાત્કાલિક તોડવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે.





















