Shubman Gill: આખરે ચમક્યો શુભમન ગીલ, 4,4,4,4.... અને ફટકારી ધમાકેદાર સદી
રોહિતે વિરાટ કોહલી સાથે મજબૂત ભાગીદારી કરી હતી. આ પહેલા ટોસ જીત્યા બાદ રોહિત અને શુભમને છઠ્ઠી ઓવરથી શ્રીલંકન બોલરોની બરાબરની લેવાનું શરૂ કર્યું હતું.
Shubman Gill ODI Century: નવોદિત ખેલાડી શુભમન ગિલે શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ ODIમાં પોતાની ODI કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. જમણેરી બેટ્સમેને પહેલા કેપ્ટન રોહિત શર્મા સાથે સકારાત્મક શરૂઆત કરી હતી અને ત્યાર બાદ સેટ થઈ મેદાનના દરેક ખૂણે શોટ સાથે સદી ફટકારી હતી. આ સદી દરમિયાન તેણે માત્ર 89 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તે 97 બોલમાં 116 રન બનાવીને આઉટ થયો હતો. શુભમનની આ સદી બાદ હવે બેવડી સદી ફટકારવા છતાં બહાર બેઠેલા ઈશાન કિશનની રાહ વધી શકે છે.
એક ઓવરમાં 23 રન
રોહિતે વિરાટ કોહલી સાથે મજબૂત ભાગીદારી કરી હતી. આ પહેલા ટોસ જીત્યા બાદ રોહિત અને શુભમને છઠ્ઠી ઓવરથી શ્રીલંકન બોલરોની બરાબરની લેવાનું શરૂ કર્યું હતું. ફાસ્ટ બોલર લાહિરુ કુમારાની ઓવરમાં એક છગ્ગા અને ચાર ચોગ્ગા સહિત 23 રન ફટકાર્યા હતા. હિટમેન રોહિત શર્માએ પહેલા બોલ પર સિક્સર ફટકારી અને પછી સિંગલ લઈને શુભમન ગિલને સ્ટ્રાઈક આપી હતી. શુભમને આ તકને ઝડપી લીધી હતી. સતત ચાર બોલમાં ચાર ચોગ્ગા માર્યા હતાં.
ટુંકી કારકિર્દીમાં ધમાકેદાર પ્રારંભ
શુભમનની પાસે હવે 18 વન-ડેની ટૂંકી કારકિર્દીમાં 2 સદી અને 5 અડધી સદી છે. આજની મેચમાં શુભમન ગિલે ધીમી શરૂઆત કરી હતી. તે પહેલા 10 બોલ પર ખાતું પણ ખોલી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરનાર ગિલે 13 ટેસ્ટ રમી છે. તેણે ગયા મહિને જ તેની T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરી હતી, જ્યારે તેને શ્રીલંકાના એ જ પ્રવાસ પર મુંબઈમાં કેપ મળી હતી.
શ્રેણીમાં એક સદી અને એક અડધી સદી
ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં શુભમન ગિલે 60 બોલમાં 70 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ઈડન ગાર્ડન્સમાં રમાયેલી બીજી મેચમાં તેના બેટમાંથી માત્ર 21 રન આવ્યા હોવા છતાં તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. શુભમન વિરાટ કોહલીના રેકોર્ડને તોડીને તેની કારકિર્દીની પ્રથમ 17 ODI ઇનિંગ્સમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝ અને ત્રણ મેચોની ટી20 સીરીઝ રમવા માટે ન્યૂઝીલેન્ડની ટીમ ભારત આવી પહોંચી છે. બન્ને ટીમો વચ્ચે આગામી 18 જાન્યુઆરીથી આ સીરીઝ શરૂ થઇ રહી છે. એકબાજુ ભારતીય ટીમ હાલ શ્રીલંકા સામે વનડે સીરીઝ રમી રહી છે, વળી કીવી ટીમ પાકિસ્તાનને તેની જ ધરતી પર વનડે સીરીઝમાં હરાવીને અહીં આવી છે. આવામાં ભારત અને ન્યૂઝીલેન્ડ બન્ને ટીમો ફૂલ ફૉર્મમાં ચાલી રહી છે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ સીરીઝ રોમાંચક બની શકે છે.