(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ZIM ODI Series: ઝીમ્બાબ્વે સીરિઝ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, ઇજાના કારણે આ ખેલાડી ટીમમાંથી બહાર
સુંદર ઈંગ્લેન્ડની સ્થાનિક ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં હતો અને તે પ્લેઈંગ ઈલેવનમાં પણ સ્થાન મેળવશે તેવી અપેક્ષા હતી.
નવી દિલ્હીઃ ઝિમ્બાબ્વે સામે 18 ઓગસ્ટથી શરૂ થનારી ત્રણ મેચની વનડે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ડાબા ખભામાં ઈજાના કારણે ત્રણ મેચની સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે લંકાશાયર અને વુસ્ટરશાયર વચ્ચે રોયલ લંડન વન ડે કપ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે સુંદરને આ ઈજા થઈ હતી. સુંદર ઈંગ્લેન્ડની સ્થાનિક ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં હતો અને તે પ્લેઈંગ ઈલેવનમાં પણ સ્થાન મેળવશે તેવી અપેક્ષા હતી.
બીસીસીઆઈના એક સૂત્રએ નામ જાહેર ન કરવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે હા, વોશિંગ્ટન સુંદર ઝિમ્બાબ્વે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે લંકાશાયર અને વુસ્ટરશાયર વચ્ચેની રોયલ લંડન વન-ડે કપ મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેના ડાબા ખભામાં ઈજા થઈ હતી. તેને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિલિટેશન કરાવવું પડશે. સુંદર ભારત માટે છેલ્લે ફેબ્રુઆરી 2022માં રમ્યો હતો. ઇજાઓ અને કોવિડ-19 સંબંધિત સમસ્યાઓના કારણે તે લાંબા સમયથી ટીમની બહાર હતો.
અન્ય એક અધિકારીએ કહ્યું, 'તમે વોશિંગ્ટન સુંદર પ્રત્યેની લાગણી અનુભવી શકો છો. વોશિંગ્ટન સુંદર પ્રતિભાશાળી ખેલાડી છે. ભાગ્ય તેનો સાથ નથી આપતું. તેમને નસીબની જરૂર છે. આ નવી ઈજા ખૂબ જ વિચિત્ર છે કારણ કે તે એક અઠવાડિયામાં ભારત માટે રમવાનો હતો.
ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં ઈજાગ્રસ્ત
વોશિંગ્ટન સુંદર માટે છેલ્લું એક વર્ષ ખૂબ જ પડકારજનક રહ્યું છે. ગયા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા અને કાઉન્ટી ટીમ વચ્ચે પ્રેક્ટિસ મેચ દરમિયાન સુંદરને આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ઘણા મહિનાઓ સુધી ટીમની બહાર હતો. ત્યારબાદ સુંદરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પુનરાગમન કર્યું હતું અને તેને આ વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે વનડે ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે કોવિડ-19 પોઝિટિવ હોવાને કારણે તેઓ પ્રવાસ પર જઈ શક્યો ન હતો.
IPL દરમિયાન પણ ઈજા થઈ હતી
સુંદરે ત્યારપછી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ઘરઆંગણે વનડે શ્રેણીમાં ભાગ લીધો હતો, પરંતુ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે શ્રીલંકા સામેની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારબાદ સુંદરે IPL 2022માં ભાગ લીધો હતો જ્યાં તે ઈજાને કારણે કેટલીક મેચોમાં બહાર બેસવું પડ્યુ હતું. હવે સુંદર કાઉન્ટીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો હતો પરંતુ ફરીએકવાર ઇજાના કારણે ટીમની બહાર થઇ ગયો છે.