એશિયા કપ 2025: શું ભારત યજમાની ગુમાવશે? આ દેશમાં રમાઈ શકે છે મેચ
સપ્ટેમ્બરમાં યોજાનાર ટુર્નામેન્ટ ભારતમાં નિર્ધારિત, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સ્થળ બદલવાની અટકળો.

Asia Cup 2025 hosting rights: એશિયા કપ 2025 ની યજમાની ભારત માટે જોખમમાં મુકાઈ શકે છે. સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર આ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ભારતમાં યોજાવાની છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધોને કારણે મેચો ભારતના બદલે અન્ય દેશમાં ખસેડવામાં આવી શકે છે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એશિયા કપ 2025નું આયોજન સપ્ટેમ્બરમાં કરવા માટે તૈયાર છે અને યજમાન દેશ તરીકે ભારતનું નામ નક્કી છે. આ ટુર્નામેન્ટમાં એશિયાની ટોચની 8 ક્રિકેટ ટીમો ભાગ લેશે અને ક્રિકેટ ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન બંને એક જ ગ્રુપમાં છે અને ટૂર્નામેન્ટના ફોર્મેટ મુજબ બંને ટીમો વચ્ચે ત્રણ મેચો પણ સંભવ છે. જો કે, ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર એ છે કે ભારતીય મેદાન પર આ રોમાંચક મેચો યોજાવાની શક્યતા ઓછી છે.
ક્રિકબઝના એક અહેવાલ અનુસાર, ACC એશિયા કપ 2025 ની યજમાની તો ભારત પાસે જ રહેશે, પરંતુ ટૂર્નામેન્ટની મેચો ભારતના બદલે કોઈ તટસ્થ સ્થળે યોજવા પર વિચારણા ચાલી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધો હાલમાં તંગ છે અને બંને દેશોની ક્રિકેટ ટીમો લાંબા સમયથી એકબીજાના દેશમાં જઈને રમવાનું ટાળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ACC એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટને તટસ્થ સ્થળે યોજવાનું વિચારી રહી છે.
અહેવાલો સૂચવે છે કે એશિયા કપ 2025 માટે સંભવિત સ્થળો તરીકે સંયુક્ત આરબ અમીરાત (UAE) અથવા શ્રીલંકાના નામ ચર્ચામાં છે. ભૂતકાળમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં તણાવને કારણે ઘણી ટુર્નામેન્ટ તટસ્થ સ્થળો પર યોજાઈ છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આવું જ બન્યું હતું અને હવે એશિયા કપ માટે પણ તટસ્થ સ્થળ શોધવામાં આવી રહ્યું છે.
એશિયા કપ 2025ના ફોર્મેટની વાત કરીએ તો, આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. જેમાં કુલ 8 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, હોંગકોંગ, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE)નો સમાવેશ થાય છે. ટૂર્નામેન્ટને રોમાંચક બનાવવા માટે ટીમોને 4-4 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. ગ્રુપ સ્ટેજની મેચો બાદ દરેક ગ્રુપની ટોચની બે ટીમો સુપર 4 રાઉન્ડમાં પ્રવેશ કરશે, જ્યાંથી ફાઇનલ મેચ માટે ટીમો નક્કી થશે.
આ પણ વાંચો....
બાંગ્લાદેશ સામેની મેચ વરસાદમાં ધોવાઈ જતા પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાઈ




















