IND vs ENG, 3rd T-20: ભારતને ત્રણ વિકેટકિપર સાથે રમવાનો જુગાર ભારે પડ્યો ? જાણો વિગત
છેલ્લા થોડા મહિનાથી સારા ફોર્મમાં ચાલી રહેલો રિષભ પંત 20 બોલમાં 25 રન બનાવી શક્યો હતો. તે સેટ થઈને મોટી ઈનિંગ રમશે તેમ લાગતું હતું ત્યારે જ બિનજરૂરી લેવાના પ્રયાસમાં રન આઉટ થયો હતો.
અમદાવાદઃ ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની ત્રીજી મેચ રમાઈ રહી છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો ફેંસલો લીધો હતો.
ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક અણનમ 77 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પંતે 20 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયા મેચમાં ત્રણ ત્રણ વિકેટકિપર બેટ્સમેન સાથે ઉતર્યું હતું. જેમાંથી એક પણ મોટી ઈનિંગ રમવામાં સફળ રહ્યા નહોતા. જેનું પરિણામ ભારતે ભોગવવું પડ્યું હતું,
કયા છે આ 3 વિકેટકિપર
લોકેશ રાહુલ આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબમાં કેપ્ટન અને વિકેટકિપરની ભૂમિકામાં છે. જ્યારે કેટલીક આંતરરાષ્ટ્રીય મેચમાં પણ તે વિકેટકિપર બેટ્સમેનની બેવડી ભૂમિકા ભજવી રહ્યો છે. આજની મેચમાં તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. બીજી ટી-20નો હીરો ઈશાન કિશન આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી વિકેટકિપિંગ અને બેટ્સમેનની રોલ ભજવે છે. આજની મેચમાં તે માત્ર ચાર રન જ બનાવી શક્યો હતો. છેલ્લા થોડા મહિનાથી સારા ફોર્મમાં ચાલી રહેલો રિષભ પંત 20 બોલમાં 25 રન બનાવી શક્યો હતો. તે સેટ થઈને મોટી ઈનિંગ રમશે તેમ લાગતું હતું ત્યારે જ બિનજરૂરી લેવાના પ્રયાસમાં રન આઉટ થયો હતો.
ભારતીય ટીમઃ ઈશાન કિશન, રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, યુઝવેંદ્ર ચહલ
ઈંગ્લેન્ડની ટીમઃ જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, સેમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ
ખાલી સ્ટેડિયમમાં રમાઈ મેચ
અમદાવાદમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે, આ કારણે મેચમાં દર્શકોને આવવાની અનુમતી નથી આપવામાં આવી. ગુજરાતી ક્રિકેટ સંઘે ફેંસલો કર્યો છે કે હવે પછીની ત્રણેય ટી20 મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે, લગભગ 40 હજારથી વધુ ટિકીટો વેચાઇ ગઇ છે, પરંતુ હવે તે લોકોને તેમના ટિકીટના પૈસા પાછા આપી દેવામા આવશે.
ટીમ ઇન્ડિયાને આઇસીસીએ ફટકાર્યો છે દંડ....
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે આજે ત્રીજી મેચ છે, અને આ મેચ પહેલા ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. આઈસીસીએ રવિવારે રમાયેલ બીજી ટી20 મેચમાં સ્લો ઓવર રેટ માટે ટીમ ઇન્ડિયા પર મેચ ફીસનો 20 ટકા દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે, ભારતીય ટીમને મેચ દરમિયાન નક્કી સમયમાં એક ઓવર ઓછી ફેંકવાની દોષી ગણવામાં આવી છે. ત્યાર બાદ મેચ રેફરી જવાગલ શ્રીનાથે તેના પર દંડ ફટકાર્યો છે.