IND vs ENG: ટી-20 સીરિઝ બાદ હવે વન-ડે સીરિઝમાં દબદબો જાળવવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
છેલ્લા 6 વર્ષથી ઈંગ્લેન્ડ ભારતને કોઈપણ વન-ડે શ્રેણીમાં હરાવી શક્યું નથી

IND vs ENG ODI Series Full Schedule: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી 22 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. મુલાકાતી ટીમ ઇંગ્લેન્ડ શ્રેણીમાં ફક્ત એક જ જીત નોંધાવવામાં સફળ રહી હતી. પરિણામે ભારતે શ્રેણી 4-1થી જીતી લીધી. સૂર્યકુમાર યાદવના કેપ્ટનશીપ હેઠળ ભારતનો આ સતત ચોથો T20 શ્રેણી વિજય છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા, ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વન-ડે શ્રેણી જીતવા પર નજર રાખશે. જૂલાઈ 2022 પછી ભારત અને ઈંગ્લેન્ડ પહેલી વાર વન-ડે શ્રેણીમાં એકબીજાનો સામનો કરશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણીનો સંપૂર્ણ કાર્યક્રમ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં, બીજી મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં અને બંને ટીમો વચ્ચે છેલ્લી વનડે મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
પહેલી વનડે - 6 ફેબ્રુઆરી (નાગપુર)
બીજી વનડે - 9 ફેબ્રુઆરી (કટક)
ત્રીજી વનડે – 12 ફેબ્રુઆરી (અમદાવાદ)
ટીમ ઈન્ડિયા છેલ્લા 6 વર્ષથી પ્રભુત્વ ધરાવે છે
જો આપણે વન-ડે મેચોના ઇતિહાસ પર નજર કરીએ તો, છેલ્લા 6 વર્ષથી ઈંગ્લેન્ડ ભારતને કોઈપણ વન-ડે શ્રેણીમાં હરાવી શક્યું નથી. ઈંગ્લેન્ડે છેલ્લે 2018માં ટીમ ઈન્ડિયાને વન-ડે શ્રેણીમાં હરાવ્યું હતું. ત્યારબાદ બંને દેશો વચ્ચે બે વન-ડે શ્રેણી રમાઈ છે અને બંને વખત ભારતીય ટીમ જીતી છે. વન-ડે સીરિઝમાં બધાની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે. બંનેનો ODI રેકોર્ડ ઉત્તમ છે, પરંતુ રન બનાવવાના સંદર્ભમાં છેલ્લું એક વર્ષ તેમના માટે સારું રહ્યું નથી.
વનડે શ્રેણી માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ , યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા.




















