IND vs SL: બેંગલુરુ ડે-નાઇટ ટેસ્ટ અગાઉ ક્રિકેટ ચાહકો માટે આવ્યા સારા સમાચાર, સ્ટેડિયમમાં 100 ટકા દર્શકોને મળશે એન્ટ્રી
ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ મેચની સીરિઝની અંતિમ મેચ 12 માર્ચથી બેંગલુરુમાં રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ હશે
ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ મેચની સીરિઝની અંતિમ મેચ 12 માર્ચથી બેંગલુરુમાં રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ હશે, જેના માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મેચ પહેલા ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મેચ માટે સ્ટેડિયમમાં 100% દર્શકોના પ્રવેશને મંજૂરી આપી દેવામાં આવી છે.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)ના સચિવ સંતોષ મેનને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પિંક બોલ ટેસ્ટમાં સ્ટેડિયમની સંપૂર્ણ ક્ષમતા સાથે દર્શકોને પ્રવેશવાની મંજૂરી આપવામા આવી છે. આ માટે સરકાર તરફથી મંજૂરી પણ મળી ગઈ છે. 100% દર્શકોને એન્ટ્રી આપવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ટિકિટ પણ આપવામાં આવી છે.
આ પિંક બોલ ટેસ્ટ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ માટે 4 પ્રકારની ટિકિટો નક્કી કરવામાં આવી છે. તેમાંથી સૌથી મોંઘી 1250 રૂપિયા અને સૌથી સસ્તી 100 રૂપિયાની કેટેગરીની ટિકિટ છે. ગ્રાન્ડ ટેરેસની ટિકિટ ચાહકો માટે રૂ. 1250, ઇ-એક્ઝિક્યુટિવ માટે રૂ. 750, ડી-કોર્પોરેટ માટે રૂ. 500 અને સૌથી ઓછી કિંમત રૂ. 100 છે.
ભારતીય ટીમ તેની ચોથી ડે-નાઈટ ટેસ્ટ રમશે
ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી, જે ટીમ ઈન્ડિયાએ એક ઇનિંગ અને 222 રને જીતી હતી. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની છેલ્લી અને બીજી મેચ 12 માર્ચથી બેંગલુરુમાં રમાશે. ઘરઆંગણે ભારતીય ટીમની આ ચોથી અને ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ હશે.
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 3માંથી 2 પિંક બોલ ટેસ્ટ જીતી છે. ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાયેલી માત્ર એક જ ડે-નાઈટ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. વિદેશની ધરતી પર ભારતે રમેલી આ એકમાત્ર ડે-નાઈટ ટેસ્ટ હતી.