IND vs ENG 2nd Test: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત
IND vs ENG 2nd Test: સાઈ સુદર્શને લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી પહેલી ટેસ્ટથી પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.

Sai Sudharsan, Harshit Rana, IND vs ENG 2nd Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 2 જૂલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. આ પહેલા ભારતીય કેમ્પમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. આ સમાચાર ટીમ ઇન્ડિયા અને તેના ચાહકોના ટેન્શનમાં વધારો કરશે.
રિપોર્ટ અનુસાર, સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુદર્શન માટે એજબેસ્ટન ટેસ્ટ મેચમાં રમવું મુશ્કેલ છે. જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ દરમિયાન સુદર્શનને ખભામાં ઈજા થઈ હતી. હાલમાં સાઈ સુદર્શનની ઈજા અંગે BCCI તરફથી કોઈ અપડેટ આવ્યું નથી.
સાઈ સુદર્શનનું સ્થાન કોણ લેશે?
સાઈ સુદર્શને લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી પહેલી ટેસ્ટથી પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, તે પોતાની ડેબ્યૂ ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો. આ પછી તે બીજી ઇનિંગમાં માત્ર 30 રન કરી શક્યો હતો. હવે જો સુદર્શન બીજી ટેસ્ટમાં નહીં રમે તો તેના સ્થાને ધ્રુવ જુરેલ અથવા નીતિશ કુમાર રેડ્ડીમાંથી કોઈ એકને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. આવી સ્થિતિમાં કરુણ નાયર ત્રીજા નંબરે બેટિંગ કરી શકે છે.
આ ખતરનાક ફાસ્ટ બોલર ભારત પાછો ફર્યો
યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતની 18 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો પરંતુ ઇન્ડિયા-એ મેચ પૂરી થયા પછી તેને પાછો મોકલવામાં આવ્યો ન હતો. તે 19મા ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલો હતો. લીડ્સ પછી જ્યારે ટીમ બીજી ટેસ્ટ મેચ માટે બર્મિંગહામ પહોંચી, ત્યારે હર્ષિત રાણા જોવા મળ્યો ન હતો, ત્યારે સમાચાર આવ્યા કે તેને દેશ પરત મોકલી દેવામાં આવ્યો છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, "મેં હજુ સુધી મુખ્ય પસંદગીકાર સાથે વાત કરી નથી. હું મુખ્ય પસંદગીકાર સાથે વાત કરીશ કારણ કે ટીમમાં કેટલીક ફિટનેસ સમસ્યાઓ હતી. તેથી જ અમે હર્ષિતને બેકઅપ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કર્યો છે. હાલમાં બધું બરાબર લાગે છે તેથી તેને ભારત પરત ફરવું પડશે."




















