IPL 2022: IPL મેગા ઓક્શનની તારીખ લંબાવવામાં આવી શકે છે, જાણો શું છે કારણ
લખનૌ અને અમદાવાદ બંને ટીમોએ પણ IPL (Indian Premier League) હરાજી પહેલા 3-3 ખેલાડીઓ ખરીદવા માટે સમય આપવો પડશે.
IPL 2022: આઈપીએલ 2022 માટે મેગા ઓક્શન જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોજાશે તેવું અગાઉ કહેવામાં આવતું હતું. હવે એક મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે જાન્યુઆરી 2022ના ત્રીજા સપ્તાહ પહેલા તેનું આયોજન કરવું શક્ય નથી. અમદાવાદ ફ્રેન્ચાઈઝીને લગતા પ્રશ્નોનો સમયસર નિકાલ ન થવાને કારણે આવું બન્યું છે.
બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે અમદાવાદ ફ્રેન્ચાઈઝીની માલિકી સંબંધિત મુદ્દા પર સમિતિનો નિર્ણય આવવાનો બાકી છે. જ્યાં સુધી આ નિર્ણય ન આવે ત્યાં સુધી હરાજીની તારીખો નક્કી કરી શકાય નહીં. આ પછી, લખનૌ અને અમદાવાદ બંને ટીમોએ પણ IPL (Indian Premier League) હરાજી પહેલા 3-3 ખેલાડીઓ ખરીદવા માટે સમય આપવો પડશે.
આવી સ્થિતિમાં જાન્યુઆરીના ત્રીજા કે ચોથા સપ્તાહ પહેલા હરાજી હાથ ધરવી શક્ય નથી. આ પહેલા બીસીસીઆઈએ આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓને કહ્યું હતું કે હરાજી જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં કરવામાં આવશે.
બોર્ડે સટ્ટાબાજીની કંપનીઓ સાથે સીવીસીના કથિત જોડાણની તપાસ કરવા માટે એક સ્વતંત્ર સમિતિની રચના કરી છે. અગાઉ એવી અપેક્ષા હતી કે નિયુક્ત સમિતિ આ સપ્તાહના અંત પહેલા પોતાનો નિર્ણય જાહેર કરશે. પરંતુ એવું લાગે છે કે અમદાવાદ ફ્રેન્ચાઇઝી અંગે નિર્ણય લેવામાં સમિતિને હજુ થોડા દિવસો લાગશે.
જૂની ફ્રેન્ચાઈઝીએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે
IPLની જૂની આઠ ટીમોએ પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. અન્ય તમામ ખેલાડીઓ હરાજીના ડ્રાફ્ટમાં આવી ગયા છે. લખનૌ અને અમદાવાદની નવી ટીમો હવે હરાજી પહેલા તેમની સાથે 3-3 ખેલાડીઓનો સમાવેશ કરી શકશે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ લખનૌની ટીમની નજર કેએલ રાહુલ, રાશિદ ખાન ઈશાન કિશન પર છે ત્યારે અમદાવાદની ટીમ પોતાની ટીમમાં શ્રેયસ અય્યર, ડેવિડ વોર્નર અને હાર્દિક પંડ્યાનો સમાવેશ કરી શકે છે.