ટીમ ઈન્ડિયાની ચિંતા વધી: અધવચ્ચે જ આ ફાસ્ટ બોલર ઇંગ્લેન્ડ છોડીને ભારત પરત ફર્યો
આ ફાસ્ટ બોલરે ભારત માટે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેનું ડેબ્યૂ હજુ બાકી છે.

Khaleel Ahmed Essex exit: ભારતીય ફાસ્ટ બોલર ખલીલ અહેમદ, જે ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં એસેક્સ ટીમ માટે રમી રહ્યો હતો, તે સીઝનની મધ્યમાં જ ભારત પાછો ફર્યો છે. તેણે એસેક્સ સાથેનો પોતાનો કરાર સમાપ્ત કર્યો હોવાની માહિતી ક્લબે આપી છે, જેનાથી ટીમની મુશ્કેલીઓ વધી છે. આ સિઝનમાં તે એસેક્સ માટે ફક્ત 2 મેચ રમી શક્યો, જેમાં તેણે 4 વિકેટ લીધી. ઇંગ્લેન્ડ લાયન્સ સામે ભારત A માટે તેણે 4 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતાં, તેને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નહોતું. ખલીલે ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2024 માં શ્રીલંકા સામે ટી20 શ્રેણી દરમિયાન રમી હતી.
કાઉન્ટી ક્રિકેટમાંથી વિદાય
ખલીલ અહેમદ આ કાઉન્ટી સીઝનમાં એસેક્સ ટીમનો ભાગ હતો અને તેના માટે રમી રહ્યો હતો. જોકે, સીઝનની મધ્યમાં જ તેણે કાઉન્ટી ક્રિકેટ છોડીને ભારત પરત ફરવાનો નિર્ણય લીધો છે. એસેક્સે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપતા જણાવ્યું છે કે, ખલીલે ક્લબ સાથેનો પોતાનો કરાર સમાપ્ત કર્યો છે અને બાકીની મેચો પહેલા તે ઘરે પરત ફરી રહ્યો છે. એસેક્સે દુઃખ વ્યક્ત કરતા ખલીલના નિર્ણયને સમર્થન આપ્યું છે અને બે મેચમાં તેણે આપેલા યોગદાન બદલ આભાર માન્યો છે. ખલીલની આ અચાનક ગેરહાજરીથી એસેક્સ ટીમની બોલિંગ લાઈનઅપમાં ચોક્કસપણે મુશ્કેલીઓ ઊભી થઈ છે.
ભારત 'A' માટે શાનદાર પ્રદર્શન
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા, ભારત 'A' ટીમ ઇંગ્લેન્ડ લાયન્સ સામે બે પ્રેક્ટિસ મેચ રમવા માટે ઇંગ્લેન્ડમાં હતી. આ પ્રેક્ટિસ મેચો દરમિયાન ખલીલ અહેમદ બીજી મેચ માટે ભારત 'A' ટીમનો ભાગ હતો. તે મેચમાં તેણે પોતાની બોલિંગનો જાદુ બતાવતા પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. જોકે, આટલા સારા પ્રદર્શન છતાં, તેને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ તેણે ઇંગ્લેન્ડમાં જ કાઉન્ટી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
Club Statement: Khaleel Ahmed.
— Essex Cricket (@EssexCricket) July 28, 2025
Essex Cricket can confirm that Khaleel Ahmed has made the decision to return home for personal reasons and will be ending his time with the Club.
➡️ https://t.co/fc0liAGcUa pic.twitter.com/BQVm5f98Bp
કાઉન્ટી ક્રિકેટમાં ખલીલનું પ્રદર્શન
કાઉન્ટી ક્રિકેટમાં ખલીલના પ્રદર્શનની વાત કરીએ તો, તે 2 મેચમાં 4 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સિઝનમાં તેણે યોર્કશાયર સામે તેની પહેલી મેચ રમી હતી, જ્યાં ખલીલ ફક્ત 1 જ વિકેટ લઈ શક્યો હતો. જોકે, સસેક્સ સામેની મેચમાં તેણે સુધારેલું પ્રદર્શન કરતા બંને ઇનિંગમાં કુલ 3 વિકેટ ઝડપી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખલીલ અહેમદના આંકડા
ખલીલ અહેમદે ભારત માટે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેનું ડેબ્યૂ હજુ બાકી છે. તેણે 11 વનડે મેચમાં 15 વિકેટ લીધી છે, જ્યારે T20I માં 16 મેચમાં 18 વિકેટ પોતાના નામે કરી છે. ખલીલે ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2024 માં શ્રીલંકા સામેની T20 શ્રેણી દરમિયાન રમી હતી.




















