National Sports Awards: મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓ અર્જુન એવોર્ડથી સન્માનિત, 2 ખેલાડીઓને મળ્યો ખેલ રત્ન
National Sports Awards: ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને આપવામાં આવ્યો છે
National Sports Awards: ભારતના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને મંગળવારે એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રીય રમત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્રિકેટર મોહમ્મદ શમી તાળીઓના ગડગડાટ વચ્ચે રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા હતા. જેમાં સૌથી મોટો સન્માન ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને આપવામાં આવ્યો છે, જ્યારે સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ વખતે મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
#WATCH दिल्ली: राष्ट्रपति द्रौपदी मुर्मू ने राष्ट्रीय खेल पुरस्कारों में क्रिकेटर मोहम्मद शमी को अर्जुन पुरस्कार प्रदान किया। pic.twitter.com/CMYFRdmusX
— ANI_HindiNews (@AHindinews) January 9, 2024
બેડમિન્ટન ખેલાડીઓ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને 2023માં તેમના શાનદાર પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે 2023માં એશિયન ગેમ્સમાં બેડમિન્ટનમાં પોતાનો અને દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય એશિયન ચેમ્પિયનશિપ અને ઇન્ડોનેશિયા ઓપન સુપર 1000નું ટાઇટલ પણ જીત્યું હતું. પુરૂષોની જોડી હાલમાં મલેશિયા ઓપન સુપર 1000માં રમી રહી છે અને તેથી સમારોહમાં હાજરી આપી શકી ન હતી.
હૉકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે સામાન્ય રીતે 29 ઓગસ્ટે યોજાતો સ્પોર્ટ્સ એવોર્ડ સમારોહ ગયા વર્ષે 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી હાંગઝોઉ એશિયન ગેમ્સને કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો.
શમી વર્લ્ડ કપમાં ટીમનો હીરો હતો
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપ 2023માં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. 33 વર્ષનો અનુભવી ઝડપી બોલર શમી હાલમાં ઇજાના કારણે ક્રિકેટથી દૂર છે. ખેલ રત્ન વિજેતાઓને 25 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે, જ્યારે અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કારોમાં 15 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.
તાજેતરમાં ચેસ ગ્રાન્ડમાસ્ટર બનેલી આર વૈશાલીને પણ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તે સ્ટાર ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદની મોટી બહેન છે. કોનેરુ હમ્પી અને દ્રોણવલ્લી હરિકા પછી ગ્રાન્ડ માસ્ટર બનનાર વૈશાલી દેશની ત્રીજી મહિલા ખેલાડી છે.
યુવા સ્ટાર પિસ્તોલ શૂટર 19 વર્ષની ઈશા સિંહ પણ જાકાર્તામાં એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં ભાગ લેવાના કારણે સમારોહમાં હાજર રહી શકી ન હતી. તેણે સોમવારે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં વ્યક્તિગત અને ટીમ ગોલ્ડ જીતીને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.
આ વર્ષે અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયેલા અન્ય અનુભવી ખેલાડીઓમાં ભૂતપૂર્વ જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન અને ગયા વર્ષની સિનિયર ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ અંતિમ પંઘાલ, ગયા વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ વિજેતા બોક્સર મોહમ્મદ હુસામુદ્દીન અને પેરા આર્ચર શીતલ દેવીનો સમાવેશ થાય છે.
હોંગઝોઉ એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનાર શીતલે ફોકોમેલિયા નામની દુર્લભ સ્થિતિને કારણે તેના બંને હાથ ગુમાવી દીધા છે. તે બંને હાથ વિના તીરંદાજી કરનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય પેરા તીરંદાજ છે.
2023 માટે રાષ્ટ્રીય રમત પુરસ્કાર વિજેતાઓ નીચે મુજબ છે
2023 માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર: ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી (બેડમિન્ટન).
અર્જુન એવોર્ડ્સઃ ઓજસ પ્રવીણ દેવતાલે (તીરંદાજી), અદિતિ ગોપીચંદ સ્વામી (તીરંદાજી), મુરલી શ્રીશંકર (એથ્લેટિક્સ), પારુલ ચૌધરી (એથ્લેટિક્સ), મોહમ્મદ હુસામુદ્દીન (બોક્સિંગ), આર વૈશાલી (ચેસ), મોહમ્મદ શમી (ક્રિકેટ), અનુશ અગ્રવાલ ( ઘોડેસવારી), દિવ્યકૃતિ સિંઘ (અશ્વારોહણ ડ્રેસ), દીક્ષા ડાગર (ગોલ્ફ), કૃષ્ણ બહાદુર પાઠક (હોકી), સુશીલા ચાનુ (હોકી), પવન કુમાર (કબડ્ડી), રિતુ નેગી (કબડ્ડી), નસરીન (ખો-ખો), પિંકી (લૉન બોલ્સ), ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર (શૂટિંગ), ઈશા સિંઘ (શૂટિંગ), હરિન્દર પાલ સિંહ સંધુ (સ્ક્વૉશ), અહિકા મુખર્જી (ટેબલ ટેનિસ), સુનિલ કુમાર (કુસ્તી), અંતિમ પંઘાલ (કુસ્તી), નાઓરેમ રોશિબિના દેવી (વુશુ), શીતલ દેવી (પેરા તીરંદાજી), ઇલુરી અજય કુમાર રેડ્ડી (દ્રષ્ટિહીન ક્રિકેટ), પ્રાચી યાદવ (પેરા કેનોઇંગ).
ઉત્કૃષ્ટ કોચ (રેગ્યુલર કેટેગરી) માટે દ્રોણાચાર્ય પુરસ્કાર: લલિત કુમાર (કુસ્તી), આરબી રમેશ (ચેસ), મહાવીર પ્રસાદ સૈની (પેરા એથ્લેટિક્સ), શિવેન્દ્ર સિંહ (હોકી), ગણેશ પ્રભાકર દેવરૂખકર (મલ્લખંભ).
ઉત્કૃષ્ટ કોચ (આજીવન કેટેગરી) માટે દ્રોણાચાર્ય પુરસ્કાર: જસકીરત સિંહ ગ્રેવાલ (ગોલ્ફ), ભાસ્કરન ઇ (કબડ્ડી), જયંત કુમાર પુશીલાલ (ટેબલ ટેનિસ).
લાઈફટાઈમ અચીવમેન્ટ માટે ધ્યાનચંદ એવોર્ડઃ મંજુષા કંવર (બેડમિન્ટન), વિનીત કુમાર શર્મા (હોકી), કવિતા સેલ્વરાજ (કબડ્ડી).
મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી 2023: ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર (સમગ્ર વિજેતા યુનિવર્સિટી), લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, પંજાબ (ફર્સ્ટ રનર અપ), કુરુક્ષેત્ર યુનિવર્સિટી, કુરુક્ષેત્ર (સેકન્ડ રનર અપ).