India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
માઈકલ બ્રેસવેલ સંભાળશે વનડેની કમાન, સેન્ટનરનું પુનરાગમન. કેન વિલિયમસન નહીં રમે, SA20 લીગને આપ્યું મહત્વ.

New Zealand squad India tour: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ભારત પ્રવાસ માટે પોતાની વનડે અને ટી20 ટીમની જાહેરાત કરી દીધી છે. કિવી ટીમ 11 જાન્યુઆરીથી શરૂ થતા ભારતીય પ્રવાસમાં 3 વનડે અને 5 ટી20 મેચોની શ્રેણી રમશે. આ શ્રેણીમાં સ્ટાર ખેલાડી કેન વિલિયમસનની ગેરહાજરી અને એક નવા સ્પિનરની એન્ટ્રી ચર્ચાનો વિષય બની છે.
ભારતીય મેદાન પર રમાનારી આગામી ક્રિકેટ શ્રેણી માટે પ્રવાસી ન્યૂઝીલેન્ડ ટીમે પોતાના ખેલાડીઓના લિસ્ટની જાહેરાત કરી દીધી છે. બ્લેકકેપ્સનો ભારત પ્રવાસ 11 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્રવાસની શરૂઆત 3 મેચની વનડે સિરીઝથી થશે અને ત્યારબાદ બંને દેશો વચ્ચે 5 મેચની હાઈ-વોલ્ટેજ ટી20 સિરીઝ રમાશે. આ પ્રવાસ માટે પસંદગીકારોએ ટીમમાં કેટલાક ચોંકાવનારા ફેરફારો કર્યા છે અને યુવા ખેલાડીઓ પર ભરોસો મૂક્યો છે.
ટીમનું નેતૃત્વ અને વાપસી
લાંબા સમયથી કમરની ઈજાને કારણે ક્રિકેટથી દૂર રહેલા અનુભવી ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનરનું ટીમમાં પુનરાગમન થયું છે, પરંતુ તેને માત્ર ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ, વનડે શ્રેણીમાં ટીમનું નેતૃત્વ માઈકલ બ્રેસવેલ કરશે. આ ઉપરાંત, ફાસ્ટ બોલર કાયલ જેમીસન સંપૂર્ણ ફિટ થઈને ટીમમાં પરત ફર્યો છે. જેમીસનને વનડે અને ટી20 બંને ફોર્મેટ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે કિવી બોલિંગ આક્રમણને મજબૂતી આપશે.
વિલિયમસનની ગેરહાજરી અને નવો ચહેરો
ભારતીય ચાહકો માટે નિરાશાજનક સમાચાર એ છે કે દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસન વનડે શ્રેણીનો ભાગ નહીં હોય. વિલિયમસન આ સમયગાળા દરમિયાન SA20 લીગમાં વ્યસ્ત હોવાને કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. જોકે, ટીમમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે ડાબોડી ઓર્થોડોક્સ સ્પિનર જેડેન લેનોક્સને પ્રથમ વખત વનડે ટીમમાં તક આપવામાં આવી છે. વિકેટકીપિંગની જવાબદારી વનડેમાં મિચ હે અને ટી20માં ડેવોન કોનવે સંભાળશે.
બંને ફોર્મેટ માટે ન્યૂઝીલેન્ડની ટીમ
ન્યૂઝીલેન્ડ વનડે ટીમ: માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), આદિ અશોક, ક્રિશ્ચિયન ક્લાર્ક, જોશ ક્લાર્કસન, ડેવોન કોનવે, જેક ફોક્સ, મિચ હે (વિકેટકીપર), કાયલ જેમીસન, નિક કેલી, જેડેન લેનોક્સ, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ રે, વિલ યંગ.
ન્યૂઝીલેન્ડ ટી20 ટીમ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે (વિકેટકીપર), જેકબ ડફી, જેક ફોક્સ, મેટ હેનરી, કાયલ જેમીસન, બેવોન જેકોબ્સ, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, ટિમ રોબિન્સન, ઇશ સોઢી.




















