PAK vs WI: પાકિસ્તાને વેસ્ટ ઇન્ડિઝ સામે સતત 10મી વન-ડે સીરિઝ જીતી, બીજી વન-ડેમાં WIને 120 રનથી હરાવ્યુ
બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ટીમે બીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને 120 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું
મુલતાનઃ બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ટીમે બીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને 120 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. આ સાથે ટીમે 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 10મી દ્વિપક્ષીય વન-ડે સીરિઝ કબજે કરી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 8 વિકેટે 275 રન બનાવ્યા હતા. બાબર ઉપરાંત ઇમામ-ઉલ-હકે અડધી સદી ફટકારી હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 32.2 ઓવરમાં 155 રનમાં સમેટાઈ ગઈ હતી. શેમરાહ બ્રુક્સે 42 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ડાબોડી સ્પિનર મોહમ્મદ નવાઝે 10 ઓવરમાં 19 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ તેનું ODIનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. મોહમ્મદ વસીમને પણ 3 વિકેટ મળી હતી. સીરિઝની અંતિમ મેચ 12 જૂને રમાશે.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત સારી રહી ન હતી. શાઈ હોપ પ્રથમ ઓવરમાં જ ઝડપી બોલર શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો. તેણે 4 રન બનાવ્યા હતા. આ પછી શેમરાહ બ્રૂક્સ અને કાયલ મેયર્સે બીજી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરીને ટીમની કમાન સંભાળી હતી. મેયર્સ 25 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. બ્રેન્ડન કિંગ 0, નિકોલસ પૂરન 25 અને રોવમેન પોવેલ માત્ર 10 રન બનાવી શક્યા હતા. ટીમે કુલ 116 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
બ્રુક્સ 56 બોલમાં 42 રન બનાવી નવાઝનો શિકાર બન્યો હતો. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. રોમારિયા શેફર્ડને લેગ સ્પિનર શાદાબ ખાને એક રન બનાવીને આઉટ કર્યો હતો. ટીમે 120 બોલમાં 7 વિકેટ ગુમાવી દીધી. આ પછી અકીલ હુસૈન અને અલઝારી જોસેફે 41 બોલમાં 25 રન બનાવ્યા હતા.
બાબર અને ઈમામની અડધી સદી
આ પહેલા પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફખર ઝમાન માત્ર 17 રન બનાવી શક્યો હતો. ઈમામ-ઉલ-હકે 72 બોલમાં 72 રન બનાવ્યા હતા. જ્યારે બાબર આઝમે 93 બોલમાં 77 રન બનાવ્યા હતા. બંનેએ સતત છઠ્ઠી વનડેમાં 50થી વધુ રનની ઇનિંગ રમી હતી. આ સિવાય બંનેએ બીજી વિકેટ માટે 120 રનની મોટી ભાગીદારી કરી હતી.