PAK vs WI : પાકિસ્તાન સામે પ્રથમ વન-ડેમાં 305 રન બનાવીને પણ હાર્યું વેસ્ટ ઇન્ડિઝ, બાબર આઝમની સદી
મુલતાનમાં રમાયેલી આ મેચમાં બાબરે ઇમામ-ઉલ-હક અને મોહમ્મદ રિઝવાન સાથે સદીની ભાગીદારી પણ કરી હતી.
ઇસ્લામાબાદઃ કેપ્ટન બાબર આઝમની મદદથી પાકિસ્તાને સીરિઝની પ્રથમ વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું હતું. મુલતાનમાં રમાયેલી આ મેચમાં બાબરે ઇમામ-ઉલ-હક અને મોહમ્મદ રિઝવાન સાથે સદીની ભાગીદારી પણ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 8 વિકેટે 305 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ પછી પાકિસ્તાની ટીમે 4 બોલ બાકી રહેતા 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાને 3 મેચની વન-ડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સીરિઝની બીજી વનડે 10 જૂને રમાશે.
306 રનનો પીછો કરતા પાકિસ્તાનની પહેલી વિકેટ 7મી ઓવરમાં પડી ગઇ હતી. ફખર ઝમાન 11 રન બનાવી આઉટ થયો હતો. આ પછી કેપ્ટન બાબર આઝમે ઈમામ-ઉલ-હક સાથે 103 રનની ભાગીદારી કરી હતી. ઈમામે 71 બોલમાં 6 ફોરની મદદથી 65 રન બનાવ્યા હતા.
બાબરે સતત ત્રીજી ODI સદી ફટકારી
કેપ્ટન બાબરે શાનદાર બેટિંગ કરી તેની 17મી વન-ડે સદી પૂરી કરી હતી. વનડેમાં પણ આ તેની સતત ત્રીજી સદી હતી. બાબર અને મોહમ્મદ રિઝવાને ત્રીજી વિકેટ માટે 108 રનની પાર્ટનરશીપ કરી હતી. બાબર ઇનિંગની 42મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે ટીમનો સ્કોર 237 રન પર પહોંચ્યો હતો. તેણે 107 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા.
રિઝવાનની 55 બોલમાં ફિફ્ટી
મોહમ્મદ રિઝવાને 55 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે ઇનિંગ્સની 43મી ઓવરના છેલ્લા બોલ પર સિંગલ લીધો અને અડધી સદી પૂર્ણ કરી હતી. રિઝવાને 61 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા.
પછી ખુશદિલ શાહ અને મોહમ્મદ નવાઝે ટીમને જીત અપાવી હતી. ખુશદિલે રોમારિયો શેફર્ડની ઇનિંગની 47મી ઓવરમાં સતત 3 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ 49મી ઓવરમાં તેણે 1 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી. ખુશદિલ 23 બોલમાં 1 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 41 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી અલ્ઝારી જોસેફે 2 જ્યારે જેડન સીલ્સ, શેફર્ડ અને અકીલ હુસૈને 1-1 વિકેટ ઝડપી હતી.
શાઈ હોપની શાનદાર સદી
આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર શાઈ હોપની સદી અને શમર બ્રુક્સ સાથેની સદીની ભાગીદારીની મદદથી વેસ્ટ ઈન્ડિઝે 8 વિકેટે 305 રન બનાવ્યા હતા. હોપે 134 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 127 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે બ્રુક્સ સાથે બીજી વિકેટ માટે 154 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પોવેલ-શેફર્ડે છેલ્લી ઓવરોમાં સારી રમત બતાવી
બ્રુક્સે 70 રનની ઈનિંગ દરમિયાન 83 બોલનો સામનો કર્યો અને 7 ચોગ્ગા ફટકાર્યા. રોવમેન પોવેલે છેલ્લી ઓવરોમાં સારો દેખાવ કર્યો હતો અને 23 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 32 રન બનાવ્યા. તેના સિવાય રોમારિયા શેફર્ડે 18 બોલમાં 2 સિક્સરની મદદથી 25 રનની ઇનિંગ રમી હતી.
પાકિસ્તાન તરફથી હરિસ રઉફ સૌથી સફળ બોલર રહ્યો, જેણે 10 ઓવરમાં 77 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ 55 રનમાં 2 વિકેટ લીધી હતી. મોહમ્મદ નવાઝ અને શાદાબ ખાને 1-1 વિકેટ લીધી હતી.