ચેમ્પિયન્સ ટ્રોફી જીતી રોહિત શર્મા પરત ફર્યો, મુંબઇ એરપોર્ટ પર આ રીતે થયું ભવ્ય સ્વાગત
ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફીનો ચેમ્પિયન બનાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા સ્વદેશ પરત ફર્યો છે

ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફીનો ચેમ્પિયન બનાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા સ્વદેશ પરત ફર્યો છે. દુબઈમાં યોજાયેલી ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો રહેલો કેપ્ટન રોહિત સોમવારે સાંજે મુંબઈમાં પોતાના ઘરે પાછો ફર્યો હતો. દરમિયાન રોહિતનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર ચાહકોની મોટી ભીડ હાજર હતી અને રોહિતે તેમના પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો હતો. ફક્ત રોહિત જ નહીં, ધીમે ધીમે દરેક ખેલાડી દુબઈથી પાછા ફરી રહ્યા છે.
View this post on Instagram
એરપોર્ટ પર રોહિતનું ઉષ્માભર્યું સ્વાગત થયું.
9 માર્ચના રોજૂ રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું અને 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી પાછી મેળવી હતી. કેપ્ટન રોહિતે પોતે ફાઇનલમાં સૌથી વધુ 76 રન કરીને ટીમને ચેમ્પિયન બનાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. આ જીતના એક દિવસ પછી સોમવાર 10 માર્ચે રોહિત તેના પરિવાર સાથે મુંબઈ પાછો ફર્યો હતો. દર વખતની જેમ આ વખતે પણ રોહિત એરપોર્ટ પર તેની પુત્રી સમાયરાને ખોળામાં લઈને બેઠો જોવા મળ્યો હતો.
રોહિતનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર ચાહકોની મોટી ભીડ એકઠી થઈ હતી અને બધાએ ભારતીય કેપ્ટનના નામના નારા લગાવીને તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. તેમની રેન્જ રોવર કાર તેમને લેવા માટે એરપોર્ટની બહાર પહેલેથી જ તૈયાર હતી. ચાહકોના સ્વાગત અને પ્રેમ વચ્ચે રોહિત પોતાની કારમાં બેસીને ઘરે જવા રવાના થયો હતો. IPL ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સે પણ રોહિતનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
આ વખતે ભારતીય ટીમ એક સાથે આવી નથી પરંતુ બધા ખેલાડીઓ અલગ અલગ રીતે ભારત પરત ફરી રહ્યા છે. કારણ કે આ વખતે BCCI દ્વારા કોઈ વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું નથી, જેમ કે T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી 29 જૂને કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં બધા ખેલાડીઓ અલગ-અલગ રીતે ભારત પરત ફરી રહ્યા છે.
IPL 2025 થી વાપસી કરશે
આ જીત બાદ હવે કેપ્ટન રોહિત શર્મા સહિત તમામ ખેલાડીઓ આગામી થોડા દિવસો આરામ કરશે અને ટૂંક સમયમાં ફરી મેદાનમાં પાછા ફરશે. આ બધા સ્ટાર્સ હવે આગામી 2 મહિના માટે IPL 2025 સીઝનમાં જોવા મળશે. આ ટુર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થશે, જ્યાં વિરાટ કોહલી અને વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા પહેલી જ મેચમાં એકબીજા સામે મેદાનમાં ઉતરશે, કારણ કે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલી જ મેચમાં ટકરાશે.




















