ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી વન-ડે સીરિઝ બંને દિગ્ગજ ખેલાડીઓ માટે છેલ્લી હશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ અંગે ચાલી રહેલી અટકળોનો અંત લાવી દીધો છે. તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી વન-ડે સીરિઝ બંને દિગ્ગજ ખેલાડીઓ માટે છેલ્લી હશે. જોકે, રાજીવ શુક્લાએ આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે.
રાજીવ શુક્લાએ શું કહ્યું
રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, "આ અમારા (રોહિત અને વિરાટ ટીમમાં હોવાથી) માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે બંને મહાન બેટ્સમેન છે. તેઓ ટીમમાં હોવાની સાથે હું માનું છું કે અમે ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ થઈશું. આ શ્રેણી તેમની છેલ્લી શ્રેણી છે, તો એવું બિલકુલ નથી. આપણે આવા મામલાઓમાં પડવું જોઈએ નહીં. ક્યારે નિવૃત્તિ લેવી તે ખેલાડીઓનો વ્યક્તિગત નિર્ણય છે. આને તેમની છેલ્લી શ્રેણી કહેવું સંપૂર્ણપણે ખોટું છે."
વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને પહેલાથી જ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને હવે ફક્ત વન-ડે ફોર્મેટમાં જ રમે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની વાપસી દર્શાવે છે.
ગિલે વન-ડે કેપ્ટનશીપ સંભાળી
અગાઉ, પસંદગી સમિતિએ રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને વન-ડે ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે માર્ચ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. પસંદગી સમિતિએ 2027 વર્લ્ડ કપ માટે ગિલને સમયસર તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો.
દરમિયાન, શ્રેણી પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને 15 ઓક્ટોબરની સવારે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વન-ડે 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે. શ્રેણીની બીજી મેચ 23મી અને છેલ્લી વન-ડે 25 ઓક્ટોબરે રમાશે.
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઑસ્ટ્રેલિયા સામેની આગામી ODI શ્રેણી માટે ટીમમાંથી પોતાની સતત બાદબાકી અંગે આખરે મૌન તોડ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદથી તેમને ઇંગ્લેન્ડ ટેસ્ટ, એશિયા કપ અને હવે ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યા છે. શમીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ટીમમાં પસંદગી કરવી કે ન કરવી તે તેમના હાથમાં નથી. તેમણે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે જો તે અનફિટ હોત તો બંગાળ માટે રણજી ટ્રોફી ની ચાર-દિવસીય મેચ રમી ન શક્યા હોત. તેમના કડક નિવેદનને મુખ્ય સિલેક્ટર અજિત અગરકર પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેમણે અગાઉ શમીની ફિટનેસ અંગે કોઈ અપડેટ ન હોવાનું જણાવ્યું હતું. શમીએ કહ્યું કે NCA જવું, તૈયારી કરવી અને રમવું એ તેમનું કામ છે, અપડેટ્સ આપવું તે તેમની જવાબદારી નથી.



















