IND vs SA: સદી ફટકારવા છતાં ઋતુરાજ ગાયકવાડ ટીમ ઈન્ડિયામાંથી થશે આઉટ? કારણ જાણીને માથું પકડી લેશો!
Ruturaj Gaikwad century: રાયપુરમાં 83 બોલમાં 105 રનની તોફાની ઈનિંગ, છતાં શ્રેયસ અય્યરની વાપસી બાદ પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ.

Ruturaj Gaikwad century: દક્ષિણ આફ્રિકા (India vs South Africa ODI 2025) સામેની બીજી વનડે મેચમાં ઋતુરાજ ગાયકવાડે શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાયપુરના મેદાન પર તેણે પોતાની વન-ડે કારકિર્દીની પ્રથમ સદી ફટકારતા 105 રન બનાવ્યા હતા. જોકે, આ ઐતિહાસિક પ્રદર્શન છતાં ક્રિકેટ નિષ્ણાતો માને છે કે ગાયકવાડ માટે ટીમમાં કાયમી સ્થાન બનાવવું લોઢાના ચણા ચાવવા સમાન છે. નિયમિત ખેલાડીઓની વાપસી બાદ, સદીવીર હોવા છતાં તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે. આ પાછળનું કારણ કોઈ ખરાબ ફોર્મ નહીં, પરંતુ ભારતીય ટીમનું મજબૂત 'બેટિંગ કોમ્બિનેશન' છે.
કારકિર્દીની પ્રથમ સદી અને વાપસી
ડિસેમ્બર 2023 બાદ ઋતુરાજ ગાયકવાડને (Ruturaj Gaikwad) ODI પ્લેઇંગ ઇલેવનમાં ફરીથી તક મળી હતી. શ્રેણીની પ્રથમ મેચમાં તે નિષ્ફળ ગયો હતો અને માત્ર 8 રન બનાવી શક્યો હતો. પરંતુ રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં તેણે ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો. તેણે આક્રમક બેટિંગ કરતા માત્ર 83 બોલમાં 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સદી સાથે તેણે પોતાની પ્રતિભા સાબિત કરી દીધી છે, પરંતુ તેમ છતાં તેનું સ્થાન જોખમમાં છે.
શા માટે બહાર થવાનો ખતરો?
આ શ્રેણી માટે જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કેપ્ટન શુભમન ગિલ અને ઉપ-કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાના કારણે પસંદગી પામ્યા ન હતા.
ઓપનિંગ સ્લોટ: ઇજાગ્રસ્ત ગિલના સ્થાને યશસ્વી જયસ્વાલને ઓપનિંગમાં તક આપવામાં આવી છે.
મિડલ ઓર્ડર: જ્યારે ચોથા નંબર પર રમતા શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં ઋતુરાજ ગાયકવાડને તક મળી છે. હવે જ્યારે શ્રેયસ અય્યર ઈજામાંથી સાજો થઈને ટીમમાં પરત ફરશે, ત્યારે સ્વાભાવિક રીતે જ તે પોતાના સ્થાને રમશે. તે સમયે ગાયકવાડને ટીમમાંથી બહાર થવું પડી શકે છે.
ટોપ-5 માં જગ્યા નથી
ભારતીય ટીમનું વર્તમાન માળખું જોઈએ તો પ્રથમ પાંચ બેટ્સમેનો લગભગ નિશ્ચિત છે:
રોહિત શર્મા
શુભમન ગિલ
વિરાટ કોહલી
શ્રેયસ અય્યર
કેએલ રાહુલ
આ સ્થિતિમાં ગાયકવાડને ક્યાં રમાડવો તે મોટો પ્રશ્ન છે. છઠ્ઠા અને સાતમા ક્રમે ટીમ મેનેજમેન્ટ ઓલરાઉન્ડરને પસંદ કરે છે. વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ બોલિંગ અને બેટિંગ બંનેમાં યોગદાન આપતા હોવાથી ત્યાં પણ જગ્યા ખાલી નથી.



















