ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈંગ્લેન્ડ સામે વનડે સીરીઝ નહીં રમે બુમરાહ
રિપોર્ટ અનુસાર, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 6 ફેબ્રુઆરીથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાં રમતા જોવા મળશે નહીં.

Jasprit Bumrah News : ભારતીય ક્રિકેટ ટીમ અને તેના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 6 ફેબ્રુઆરીથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાં રમતા જોવા મળશે નહીં. તમને જણાવી દઈએ કે બુમરાહને આ શ્રેણીની ત્રીજી વનડે માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.
જસપ્રીત બુમરાહ માટે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે વનડે મેચમાં રમવું મુશ્કેલ હતું. ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટમાં તેને ઈજા થઈ હતી, પરંતુ માનવામાં આવી રહ્યું હતું કે બુમરાહ છેલ્લી વનડે સુધી ફિટ રહેશે. જોકે, હવે જે લેટેસ્ટ અપડેટ આવ્યું છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે. વાસ્તવમાં, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની ત્રણેય વનડે મેચ નહીં રમે.
ચેમ્પિયન્સ ટ્રોફી રમવી પણ મુશ્કેલ છે
જસપ્રીત બુમરાહ માટે હવે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવું મુશ્કેલ માનવામાં આવે છે. સોમવારે બુમરાહને લઈને એક અહેવાલ આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બુમરાહ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે અને તેની ફિટનેસ ટેસ્ટ અહીં લેવામાં આવશે. હાલ તે મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે.
TOIએ તેના એક અહેવાલમાં કહ્યું હતું કે, જસપ્રીત બુમરાહ 2-3 દિવસ સુધી NCA નિષ્ણાતોના નિરીક્ષણ હેઠળ રહેશે. સંપૂર્ણ તપાસ બાદ જ અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિને રિપોર્ટ મોકલવામાં આવશે.
હવે માત્ર એક સપ્તાહ બાકી છે
જસપ્રીત બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં જાળવી રાખવો કે નહીં તે નક્કી કરવા માટે ભારતીય ટીમ પાસે માત્ર એક સપ્તાહ બાકી છે. આઈસીસીની ડેડલાઈન મુજબ તમામ ટીમો પાસે તેમની ટીમમાં ફેરફાર કરવા માટે 12મી ફેબ્રુઆરી સુધીનો સમય છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાસે હવે બુમરાહ અંગે નિર્ણય લેવા માટે માત્ર એક સપ્તાહનો સમય છે.
સૌથી ઓછા બોલમાં 200 વિકેટ ઝડપી લેનારો ભારતીય બોલર
બુમરાહ સૌથી ઓછા બોલમાં 200 વિકેટ ઝડપી લેનારો ભારતીય બોલર છે. બુમરાહે 8484માં બોલ પર પોતાની 200મી ટેસ્ટ વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ 9896માં બોલ પર 200મી વિકેટ લીધી હતી. જાન્યુઆરી 2018માં ડેબ્યૂ કરનાર બુમરાહ 20થી ઓછી બોલિંગ એવરેજ સાથે 200 વિકેટ મેળવનારો પ્રથમ બોલર છે. બુમરાહ કરતાં વધુ સારી બોલિંગ એવરેજ સાથે કોઈ બોલરે વધુ વિકેટ લીધી નથી.




















