(Source: ECI/ABP News/ABP Majha)
શ્રેયસ અય્યરે વર્લ્ડકપ 2023 ની સૌથી લાંબી સિક્સ ફટકારી, ICC એ શેર કર્યો વીડિયો
વર્લ્ડ કપ 2023 ની 32મી મેચમાં ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રમાઈ હતી. મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને યજમાન ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
વર્લ્ડ કપ 2023 ની 32મી મેચમાં ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રમાઈ હતી. મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને યજમાન ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્મા એન્ડ કંપનીએ 8 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. ભારત માટે શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. તેની ઇનિંગ દરમિયાન શ્રેયર અય્યરે ટૂર્નામેન્ટની સૌથી લાંબી સિક્સ ફટકારી હતી, જેનો વીડિયો ICC દ્વારા શેર કરવામાં આવ્યો હતો.
જમણા હાથનો બેટ્સમેન અય્યર શ્રીલંકા સામે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે 56 બોલમાં 82 રનની ખતરનાક ઈનિંગ રમી હતી. તેની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે. આ બધામાંથી ત્રીજો છગ્ગો સૌથી જબરદસ્ત હતો, જેની લંબાઈ 106 મીટર હતી અને તે વિશ્વ કપની 13મી સિઝનની સૌથી લાંબી સિક્સ હતી.
આ શોટ ભારતની ઇનિંગ્સની 36મી ઓવરમાં જોવા મળ્યો હતો. કાસુન રાજિતાએ ઓવરનો ત્રીજો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો, જેને અય્યરે સારી રીતે ઉઠાવી લોંગ-ઓન પર એક શાનદાર શોટ રમ્યો, જે સ્ટેન્ડ પર ત્રીજી રોમાં લાગ્યો.
View this post on Instagram
નોંધનીય છે કે આ પહેલા આ એડિશનમાં સૌથી લાંબી સિક્સની લંબાઈ 104 મીટર હતી, જે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્લેન મેક્સવેલે ન્યૂઝીલેન્ડ સામે ફટકારી હતી. ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 100 મીટરથી વધુ લાંબી ત્રણ સિક્સર ફટકારવામાં આવી છે.
શ્રેયસ અય્યરે ODI કારકિર્દીમાં 2000 રન પૂરા કર્યા
28 વર્ષના શ્રેયસ અય્યરે આ ઇનિંગ દરમિયાન વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો. તે ODI ફોર્મેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 2000 રન પૂરા કરનાર ભારતનો સંયુક્ત રીતે બીજો બેટ્સમેન બન્યો છે. જમણા હાથના બેટ્સમેને તેની 48 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું
ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું છે. 358 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકા 19.4 ઓવરમાં 55 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શમીએ 18 રનમાં 5 વિકેટ લીધી હતી. સિરાજને ત્રણ વિકેટ મળી હતી. આ પહેલા ભારતે ગિલ, વિરાટ અને અય્યરની તોફાની ઇનિંગ્સના કારણે 357 રન બનાવ્યા હતા. પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર પહોંચી ગયું છે ઉપરાંત વિશ્વ કપની સેમી ફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે.