BCCI અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થયા બાદ ગાંગુલીએ મૌન તોડ્યું, કહ્યું - એક દિવસમાં અંબાણી કે મોદી....
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીની સફર પુર્ણ થવા જઈ રહી છે. સૌરવ ગાંગુલીએ સ્વીકાર કર્યો છે કે, તે બીસીસીઆઈ અધ્યક્ષ પદ પર બીજી ઈનિંગ રમતો નહી જોવા મળે.
Sourav Ganguly on BCCI President: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીની સફર પુર્ણ થવા જઈ રહી છે. સૌરવ ગાંગુલીએ સ્વીકાર કર્યો છે કે, તે બીસીસીઆઈ અધ્યક્ષ પદ પર બીજી ઈનિંગ રમતો નહી જોવા મળે. સૌરવ ગાંગુલીનું (Sourav Ganguly) કહેવું છે કે, તે હવે બીજા મોટા કામ પર ધ્યાન કેન્દ્રીત કરશે. આ સાથે એ નક્કી થઈ ગયું છે કે, પૂર્વ ક્રિકેટર રોજર બિન્ની (Roger Binny) કોઈ પણ વિરોધ વગર બીસીસીઆઈના અધ્યક્ષ બની શકે છે.
સૌરવ ગાંગુલીએ ખુદ બીસીસીઆઈના નવા અધ્યક્ષને લઈને થઈ રહેલી તમામ અટકળો પર મૌન તોડ્યું છે. સૌરવ ગાંગુલીનું કહેવું છે કે તેણે એડમિનિસ્ટ્રેટર તરીકે લાંબી ઈનિંગ્સ રમી છે અને હવે તેનું ધ્યાન કોઈ અન્ય કામ પર છે. બીસીસીઆઈ પ્રમુખે કહ્યું કે, હું લાંબા સમયથી પ્રશાસક છું. પરંતુ હવે હું મારા જીવનમાં આગળ વધી રહ્યો છું.
સૌરવ ગાંગુલીએ કહ્યું કે, જ્યારે તે 15 વર્ષ સુધી ટીમ ઈન્ડિયા માટે રમ્યો ત્યારે તે તેના જીવનનો શ્રેષ્ઠ સમય હતો. સૌરવ ગાંગુલીએ કહ્યું, "તમે જીવનમાં કંઈપણ કરી શકો છો. પરંતુ મારા માટે શ્રેષ્ઠ સમય એ હતો જ્યારે હું ભારત માટે 15 વર્ષ ક્રિકેટ રમ્યો હતો. હું બીસીસીઆઈનો પ્રમુખ પણ રહ્યો. હવે મારું ધ્યાન કંઈક મોટું કરવા પર છે.
રોજર બન્ની BCCIના પ્રમુખ બનશેઃ
સૌરવ ગાંગુલી કહે છે કે, કંઈક મોટું કરવા માટે તમારે ઘણું બધું આપવું પડતું હોય છે. પૂર્વ કેપ્ટને કહ્યું, "મેં ઈતિહાસમાં વિશ્વાસ કર્યો નથી. પરંતુ મારી નજર એ હકીકત પર છે કે પૂર્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમતા ટેલેન્ટની અછત છે. કોઈ એક દિવસમાં અંબાણી કે નરેન્દ્ર મોદી બની શકતું નથી. આવા બનવા માટે તમારે વર્ષો સુધી કામ કરવું પડે છે."
આ અઠવાડીયાની શરૂઆતમાં દિલ્હીમાં બીસીસીઆઈના હોદ્દેદારોની બેઠક પછી, તે લગભગ સ્પષ્ટ થઈ ગયું હતું કે સૌરવ ગાંગુલી હવે બીસીસીઆઈના અધ્યક્ષ રહેશે નહીં. રોજર બીન્નીએ BCCIના પ્રમુખ બનવા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. રોજર બીન્નીને પડકારવા માટે હજુ સુધી અન્ય કોઈ નોમિનેશન ફાઈલ કરવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે રોજર બીન્ની BCCIના આગામી અધ્યક્ષ હશે. આટલું જ નહીં, જય શાહે BCCI સેક્રેટરીનો હોદ્દો પણ પોતાની પાસે રાખ્યો છે.