Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
લુંગી એનગિડીની વાપસી દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલિંગ આક્રમણને મજબૂત બનાવશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થઈ રહી છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટી ટેસ્ટ માટે ટીમમાં ફાસ્ટ બોલર લુંગી એનગિડીનો સમાવેશ કર્યો છે.
લુંગી એનગિડીને ફાસ્ટ બોલર કગીસો રબાડાના કવર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. રબાડા ઈજાગ્રસ્ત છે અને ઈજાને કારણે કોલકાતામાં પહેલી ટેસ્ટ રમી શક્યો નથી. બીજી ટેસ્ટમાં તેના રમવા પર શંકા છે. તેથી ક્રિકેટ સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટ માટે લુંગી એનગિડીનો ટીમમાં સમાવેશ કર્યો છે. જો રબાડા ફિટ ન હોય તો લુંગી એનગિડી રમી શકે છે. રબાડા પાંસળીની ઈજાથી પીડાઈ રહ્યો છે.
લુંગી એનગિડીની વાપસી દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલિંગ આક્રમણને મજબૂત બનાવશે. તે છેલ્લા કેટલાક સમયથી ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો છે, પરંતુ ટીમ મેનેજમેન્ટે સંપૂર્ણ ફિટનેસ મેળવ્યા બાદ તેને ટીમમાં સામેલ કર્યો છે. 29 વર્ષીય જમણા હાથના ઝડપી બોલર લુંગી એનગિડીએ 20 ટેસ્ટ મેચમાં 58 વિકેટ લીધી છે. લુંગી એનગિડીએ છેલ્લે જૂન 2025માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ રમી હતી.
દક્ષિણ આફ્રિકાએ કોલકાતામાં લો-સ્કોરિંગ મેચમાં ભારતને 30 રનથી હરાવીને શ્રેણીમાં 0-1ની લીડ મેળવી હતી. આફ્રિકન ટીમ પાસે સીરિઝ જીતવાની તક છે. જો દક્ષિણ આફ્રિકા 22 નવેમ્બરથી શરૂ થતી બીજી ટેસ્ટ જીતે છે અથવા ડ્રો કરે છે, તો તેઓ શ્રેણી જીતી લેશે. દક્ષિણ આફ્રિકા 1999-2000 પછી ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી.
ગુવાહાટીમાં આ પ્રથમ મેન્સ ટેસ્ટ મેચ છે. તેથી બંને ટીમો પિચ અંગે ચિંતિત રહેશે. સ્થાનિક હોવા છતાં ભારતીય ટીમ પાસે પિચનો અનુભવ નથી તેથી ગુવાહાટી ટેસ્ટ રોમાંચક રહેવાની અપેક્ષા છે.
ગુવાહાટી માટે પણ 'ટર્નિંગ ટ્રેક'ની માંગ?
'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના એક અહેવાલ મુજબ, ભારતીય ટીમ મેનેજમેન્ટ ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રમાનારી બીજી ટેસ્ટ માટે પણ સ્પિન-ફ્રેન્ડલી પિચ ઈચ્છે છે. આ સ્ટેડિયમમાં આ સૌપ્રથમ ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ ગ્રાઉન્ડ BCCI ના ચીફ ક્યુરેટર આશિષ ભૌમિકનું હોમ ગ્રાઉન્ડ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમ ઈન્ડિયાની આ માંગણીથી બોર્ડના અધિકારીઓ અવઢવમાં છે. તેમને ડર છે કે જો ડેબ્યૂ મેચમાં જ પિચ વધુ પડતી ટર્નિંગ હશે અને મેચ વહેલી પૂરી થઈ જશે, તો સ્ટેડિયમની શાખ પર નકારાત્મક અસર પડી શકે છે.




















