T-20 World Cup: ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બદલાવ, ધોની, કોહલી, શાસ્ત્રીની મળશે બેઠક
T-20 World Cup: હાર્દિકે IPLના બીજા તબક્કામાં એક પણ બોલ ફેંક્યો નથી. એવામાં ટી-20 વર્લ્ડ કપમાં તેની બોલિંગ કરવાની આશા ઘણી જ ઓછી છે
નવી દિલ્હીઃ આઈપીએલ 2021 પૂરી થયાના ગણતરીના દિવસોમાં જ આઈસીસી ટી-20 વર્લ્ડકપ શરૂ થશે. પરંતુ તે પહેલા આજે ટીમ ઈન્ડિયાની બેઠક મળશે. જેમાં હાર્દિક પંડ્યા અને વરૂણ ચક્રવર્તીની ફિટનેસને લઈ ચર્ચા થશે. આ બેઠકમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન રોહિત શર્મા, કોચ રવિ શાસ્ત્રી અને ધોની જોડાશે. આઈસીસીએ કોઈપણ ટીમને બદલાવ કરવા માટે 10 ઓક્ટોબર છેલ્લી તારીખ નક્કી કરી છે.
હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીની ફિટનેસ હજુ પણ ભારત માટે ચિંતાનો વિષય બની રહી છે. હાર્દિકની ફિટનેસ વિશે વિચારવા જેવી બાબત છે. આઈપીએલમાં પણ હાર્દિક પંડ્યા બેટિંગમાં કમાલ બતાવી શક્યો નહોતો, જ્યારે એક પણ ઓવર બોલિંગ કરી નહોતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ હાર્દિકની બોલિંગ બાબતે જે વાત જણાવી છે તેનાથી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. રોહિત શર્માએ કહ્યું કે તેને નથી લાગી રહ્યું કે હાર્દિક હજી પણ બોલિંગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હાર્દિકે IPLના બીજા તબક્કામાં એક પણ બોલ ફેંક્યો નથી. એવામાં ટી-20 વર્લ્ડ કપમાં તેની બોલિંગ કરવાની આશા ઘણી જ ઓછી છે
ઈશાન-સૂર્યનું ફોર્મમાં પરત ફરવું રાહતના સમાચાર
T20 વર્લ્ડ કપ IPL પછી તરત જ શરૂ થવાનો છે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પોતાનું મિશન ત્યાંથી જ શરૂ કરશે. મુંબઈ ઈન્ડિયન્સના ઘણા ખેલાડીઓ છે જે ભારતીય ટીમની ટીમનો ભાગ છે, જેમાં રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે.
સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન ખરાબ ફોર્મમાં હતા જ્યારે IPL નો બીજો ભાગ શરૂ થયો ત્યારે હાર્દિક પંડ્યાની ઈજા ચિંતાનો વિષય હતો. પરંતુ આઈપીએલની છેલ્લી મેચોમાં ત્રણેય સારા ફોર્મમાં હતા.
ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં તોફાની ઇનિંગ રમી હતી. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા ઇશાન કિશને ગત દિવસે માત્ર 32 બોલમાં 84 રન બનાવ્યા હતા, છેલ્લી મેચમાં પણ ઇશાને 25 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ સાથે જ સૂર્યકુમાર યાદવે પણ માત્ર 40 બોલમાં 82 રન બનાવ્યા હતા.