T20 WC, IND vs AUS Warm Up Match: ભારતની આજે ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચ, પાક. સામેની પ્લેઇંગ ઇલેવનનું ચિત્ર થશે નક્કી
IND vs AUS: રોહિત શર્મા પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઉતર્યો નહતો. જોકે તે આજની પ્રેક્ટિસ મેચમાં રમશે તેમ મનાય છે.
T20 WC, IND vs AUS Warm Up Match: ભારત તેની બીજી અને આખરી પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 3.30 કલાકે મેચ શરૂ થશે. ભારત આ મેચમાં બેટિંગ ઓર્ડર અને બોલિંગ આક્રમણ નક્કી કરશે. આજની મેચ બાદ ભારતે 24 ઓક્ટોબરે કટ્ટર હરિફ પાકિસ્તાન સામે રમીને ટુર્નામેન્ટની શરૂઆત કરવાની છે.
ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતીય કેપ્ટન કોહલીએ સ્પષ્ટ કરી દધું છે કે, ટીમ ઈન્ડિયાના બેટીંગ ઓર્ડરમાં ટોપ-થ્રી નક્કી જ છે. રોહિત શર્મા અને કે.એલ. રાહુલ ઓપનિંગમાં નક્કી છે. જ્યારે કેપ્ટન કોહલી વન ડાઉન ઉતરશે. અગાઉ એવી અટકળો પણ ચાલી રહી હતી કે, પાકિસ્તાન સામેની ટી-૨૦માં કેપ્ટન કોહલી ઓપનિંગમાં આવીને સરપ્રાઈઝ આપી શકે. જોકે, ભારતીય કેપ્ટને આ શક્યતાને નકારી કાઢી હતી.
રોહિત શર્મા પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઉતર્યો નહતો. જોકે તે આજની પ્રેક્ટિસ મેચમાં રમશે તેમ મનાય છે. યુવા વિકેટકિપર-બેટસમેન ઈશાન કિશને ધમાકેદાર પર્ફોમન્સ આપતાં આક્રમક ૭૦ રન ફટકાર્યા હતા અને તે રિટાયર્ડ થયો હતો. તેણે આ શાનદાર ઈનિંગને સહારે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે દાવેદારી નોંધાવી છે.
આજની મેચમાં ભુવનેશ્વર કુમારના સ્થાને શાર્દુલ ઠાકુર અને અશ્વિનના સ્થાને જાડેજાને તક અપાય તેમ માનવામાં આવે છે. ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં ભુવનેશ્વર કુમારનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. આઇપીએલમાં પણ તેનું પર્ફોમન્સ ઉત્સાહજનક રહ્યું નહતુ અને ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં તેણે ચાર ઓવરમાં ૫૪ રન આપ્યા હતા. શમી ખર્ચાળ સાબિત થયો હતો, પણ તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહે ૪ ઓવરમાં માત્ર ૨૬ રન આપતાં એક વિકેટ ઝડપી હતી. અશ્વિને બેટસમેનો પર નિયંત્રણ રાખ્યું હતુ, પણ તેને વિકેટ મળી શકી નહતી. જ્યારે રાહુલ ચાહરે ૪ ઓવરમાં ૪૩ રન આપ્યા હતા. ભુવનેશ્વરનું ફોર્મ જોતા ટીમ ઈન્ડિયા શાર્દૂલ ઠાકુરને તક આપી શકે છે.
ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલી,( કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
સ્ટેન્ડ બાય ખેલાડીઃ શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ, દીપક ચહર
આ ખેલાડીઓ કરાવશે પ્રેક્ટિસ
આ ઉપરાંત અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમન મેરિવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે.ગૌથમ ટીમ ઈન્ડિયાના બાયો બબલમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે રહેશે.