(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Virat Kohli: T20 વર્લ્ડ કપ 2024માં કોહલીએ 7 ઇનિંગ્સમાં માત્ર 75 રન બનાવ્યા હતા. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલો વિરાટ કોહલી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 9 રન જ બનાવી શક્યો હતો.
IND vs SA Final, T20 World Cup 2024: આઈપીએલ 2024ના (IPL 2024) અંતને માત્ર એક મહિના જેટલો સમય થયો છે, પરંતુ વિરાટ કોહલીનું ફોર્મ (Virat Kohli Form) જોઈને લાગે છે કે તેણે ઘણા મહિનાઓથી ક્રિકેટ નથી રમી. IPL 2024માં તેણે 61.75ની એવરેજથી 741 રન બનાવ્યા હતા, પરંતુ T20 વર્લ્ડ કપ 2024માં કોહલીએ 7 ઇનિંગ્સમાં માત્ર 75 રન બનાવ્યા હતા. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલો વિરાટ કોહલી સેમીફાઈનલમાં (Semi Final) ઈંગ્લેન્ડ સામે માત્ર 9 રન જ બનાવી શક્યો હતો. પરંતુ આ કેટલીક ઇનિંગ્સ કોહલીની શાનદાર કારકિર્દીનું વર્ણન કરતી નથી કારણ કે તે એક મોટી મેચનો ખેલાડી છે. હવે 29 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા વિશ્વ કપની ફાઇનલ મેચમાં ચાહકોને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. તો ચાલો જાણીએ કે વિરાટ કોહલીએ અત્યાર સુધી વર્લ્ડ કપની અંતિમ મેચોમાં કેવું પ્રદર્શન કર્યું છે.
વિરાટ કોહલી વર્લ્ડ કપ ફાઈનલના દબાણમાં વધુ સારો દેખાવ કરે છે
2011 વર્લ્ડ કપ ફાઈનલ- વિરાટ કોહલી 2011માં પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઈનલ રમ્યો હતો. 2011 ODI ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો મુકાબલો શ્રીલંકા સામે થયો હતો. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 274 રન બનાવ્યા હતા. જો કે તે મેચમાં કોહલીએ માત્ર 35 રન બનાવ્યા હતા, પરંતુ ભારતની જીતમાં આ ઇનિંગનો મોટો ફાળો હતો. વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકર વહેલા આઉટ થઈ ગયા હતા તેવા સમયે કોહલીએ ગૌતમ ગંભીર સાથે 83 રનની ભાગીદારી કરી હતી. આખરે, ભારત એ મેચ 6 વિકેટે જીતીને વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.
2014 T20 વર્લ્ડ કપ ફાઇનલ- 2007માં T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યાના 7 વર્ષ બાદ ભારત ફરીથી ફાઇનલમાં પહોંચ્યું. આ વખતે પણ તેણે શ્રીલંકાના પડકારનો સામનો કર્યો હતો. તે મેચમાં પ્રથમ રમતા ભારત માત્ર 130 રન જ બનાવી શક્યું હતું, જેમાંથી 77 રન એકલા વિરાટ કોહલીએ બનાવ્યા હતા. જો કોહલીની 77 રનની ઇનિંગ ન આવી હોત તો ભારત કદાચ સ્કોરબોર્ડ પર 100 રન પણ ન બનાવી શક્યું હોત. પરંતુ અંતે શ્રીલંકાએ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો અને પ્રથમ વખત T20 ક્રિકેટની વર્લ્ડ ચેમ્પિયન બની.
2023 વર્લ્ડ કપની ફાઈનલ- 2023 ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ભારત સામસામે હતા. તે મેચમાં પ્રથમ રમતા ભારત માત્ર 240 રન જ બનાવી શક્યું હતું. આ મેચમાં કોહલીએ 63 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે પેટ કમિન્સ દ્વારા બોલ્ડ થયો હતો. અંતે ભારત આ ફાઈનલ મેચ 6 વિકેટે હારી ગયું.