T20 World Cup, PAK vs BAN: બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો પાંચ વિકેટે વિજય, સેમીફાઇનલમાં પહોંચનાર ચોથી ટીમ બની
ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાને સુપર-12ની પોતાની અંતિમ મેચમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું હતું
T20 World Cup Semifinal Teams: ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાને સુપર-12ની પોતાની અંતિમ મેચમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું હતું. એડિલેડમાં પાકિસ્તાને 18.1 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 128 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાનની આ જીતનો હીરો શાહીન આફ્રિદી રહ્યો હતો. આફ્રિદીએ ચાર ઓવરમાં 22 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
Pakistan keep their calm and are through to the #T20WorldCup semi-final 👏#PAKvBAN | 📝: https://t.co/eA8evvzzw5 pic.twitter.com/BUw5gA2249
— ICC (@ICC) November 6, 2022
પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી ગયું છે. તે સતત બીજી વખત અંતિમ-4માં સ્થાન મેળવવામાં સફળ રહી છે. T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ માટે ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ-2માંથી ક્વોલિફાય થઈ ગયા છે જ્યારે ગ્રુપ-1માંથી ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવીને ગ્રુપ-2માં ટોચની ટીમ બની ગઇ હતી. જો ટીમ ઈન્ડિયા ગ્રુપ-2માં ટોચ પર રહેવા ઈચ્છે છે તો તેણે ઝિમ્બાબ્વેને હરાવવું પડશે. ગ્રુપ-2 પર નજર કરીએ તો પાકિસ્તાને 5 મેચમાં 3 મેચ જીતી છે, 2માં હારનો સામનો કરવો પડ્યો છે અને 6 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી ગઇ હતી. ભારત-ઝિમ્બાબ્વે મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો નેટ-રનરેટ પાકિસ્તાન કરતા ઓછો છે, જેથી પાકિસ્તાન ગ્રુપ 2માં ટોપ પર પહોંચી ગયું છે.
મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે 20 ઓવરમાં આઠ વિકેટે 127 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી નજમુલ હુસેન સાંતોએ 54 રન બનાવ્યા હતા. અફીફ હુસૈને અણનમ 24 અને સૌમ્યા સરકારે 20 રન બનાવ્યા હતા. લિટન દાસ માત્ર 10 રન બનાવી શક્યો હતો. કેપ્ટન શાકિબ અલ હસન અને નુરુલ હસન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. નસુમ અહેમદ સાત, મોસાદ્દેક હુસૈન પાંચ અને તસ્કીન અહેમદે એક રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. શાદાબ ખાનને બે સફળતા મળી હતી. હરિસ રઉફ અને ઇફ્તિખાર અહેમદે એક-એક વિકેટ ઝડપી હતી.
128 રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાને સારી શરૂઆત કરી હતી. કેપ્ટન બાબર અને મોહમ્મદ રિઝવાને પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. રિઝવાને સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. તેના સિવાય મોહમ્મદ હરિસે 31, બાબર આઝમે 25 અને શાન મસૂદે અણનમ 24 રન બનાવ્યા હતા. મોહમ્મદ નવાઝ ચાર અને ઈફ્તિખાર અહેમદે એક રન બનાવીને આઉટ થયો હતો. શાન મસૂદ સાથે શાદાબ ખાન અણનમ રહ્યો હતો. બાંગ્લાદેશ તરફથી નસૂમ અહેમદ, શાકિબ અલ હસન, મુસ્તફિઝુર રહેમાન અને ઇબાદત હુસૈને એક-એક વિકેટ ઝડપી હતી.