(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SA: કોહલીએ જન્મદિવસ પર સદી ફટકારી સચિનના આ મોટા રેકોર્ડની કરી બરાબરી
વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીની વનડે કરિયરની આ 49મી સદી છે. આ રીતે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે.
Virat Kohli Century: વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીની વનડે કરિયરની આ 49મી સદી છે. આ રીતે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. સચિન તેંડુલકરના નામે ODI ફોર્મેટમાં 49 સદી છે. આ રીતે સચિન તેંડુલકર સાથે વિરાટ કોહલી ODI મેચોમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં સંયુક્ત રીતે ટોચ પર છે.
વિરાટ કોહલી સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી પર
વિરાટ કોહલીએ 119 બોલમાં સદીનો આંકડો સ્પર્શ કર્યો હતો. વિરાટ કોહલી 121 બોલમાં 101 રન બનાવીને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. ODI ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકરે પોતાની ODI કરિયરમાં 49 સદી ફટકારી હતી, પરંતુ હવે વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટરની બરાબરી કરી લીધી છે. હવે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સંયુક્ત રીતે નંબર વન પર છે.
વિરાટ કોહલીએ રચિન રવિન્દ્રને પાછળ છોડી દીધો
આ સાથે જ વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ પહેલા ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર બીજા સ્થાને હતો, પરંતુ હવે વિરાટ કોહલીએ રચિન રવિન્દ્રને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ 8 મેચમાં 108.60ની શાનદાર એવરેજથી 543 રન બનાવ્યા છે. જ્યારે રચિન રવિન્દ્રએ 8 મેચમાં 74.71ની એવરેજથી 523 રન બનાવ્યા છે.
દક્ષિણ આફ્રિકાને 327 રનનો ટાર્ગેટ
ભારત-દક્ષિણ આફ્રિકા મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 327 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 326 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ 121 બોલમાં 101 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રેયસ અય્યરે 87 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
કોહલી 101 રન બનાવીને અણનમ
ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 101 રન બનાવીને અણનમ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 15 બોલમાં 29 રનની અણનમ ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે પણ 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કોહલી પોતાના જન્મદિવસ પર વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો બેટર બની ગયો છે. પાવરપ્લેની શરૂઆતની ઓવરોમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે વિસ્ફોટક બેટિંગ કરી હતી. રોહિત-ગિલની જોડીએ 5 ઓવરમાં 61 રન બનાવ્યા હતા. ટીમે 62 રનના સ્કોર પર કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. અહીં રોહિત 24 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો.