ICCએ જાહેર કરી ચેમ્પિયન્સ ટ્રોફીની સર્વશ્રેષ્ઠ ટીમ: ભારતના 5 ખેલાડીઓ સામેલ, પાકિસ્તાન માટે ફરી શરમજનક...
ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ પણ ચમક્યા, જાણો કોને મળ્યું સ્થાન.

ICC Best XI Champions Trophy 2025: ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ધમાકેદાર પૂર્ણાહુતિ બાદ ટુર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. આ ટીમમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે, જેમાં કુલ પાંચ ભારતીય ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. જો કે, ક્રિકેટ જગતને ચોંકાવનારી વાત એ છે કે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમોના એક પણ ખેલાડીને આ સર્વશ્રેષ્ઠ ટીમમાં સ્થાન મળ્યું નથી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આ શ્રેષ્ઠ ટીમમાં કુલ 11 ખેલાડીઓ અને 12મા ખેલાડી તરીકે રિપ્લેસમેન્ટનો સમાવેશ થાય છે. ભારતના પાંચ ખેલાડીઓ ઉપરાંત, ન્યૂઝીલેન્ડના ચાર અને અફઘાનિસ્તાનના બે ખેલાડીઓએ પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સર્વશ્રેષ્ઠ ટીમમાં સ્થાન પામેલા પાંચ ભારતીય ખેલાડીઓ છે - વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી. આ ખેલાડીઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટ કોહલીએ સમગ્ર ટૂર્નામેન્ટમાં બેટિંગમાં ધૂમ મચાવી હતી અને 218 રન બનાવ્યા હતા, જ્યારે શ્રેયસ અય્યરે 243 રન સાથે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. બોલિંગમાં મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તીએ પણ કમાલ કરી હતી અને બંનેએ 9-9 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલને 12મા ખેલાડી તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પણ આ ટીમમાં પ્રભાવશાળી હાજરી નોંધાવી છે. ઓપનિંગ બેટ્સમેન તરીકે સ્થાન મેળવનાર રચિન રવિન્દ્રને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ અને ‘ગોલ્ડન બેટ’ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં 263 રન બનાવ્યા હતા અને 3 વિકેટ પણ લીધી હતી. આ ઉપરાંત, ફાસ્ટ બોલર મેટ હેનરી, જે ‘ગોલ્ડન બોલ’ એવોર્ડનો વિજેતા રહ્યો હતો અને ટૂર્નામેન્ટમાં 10 વિકેટ ઝડપી હતી, તેને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સ અને મિશેલ સેન્ટનરનો પણ સર્વશ્રેષ્ઠ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, અને સેન્ટનરને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝદરાન અને અઝમતુલ્લા ઓમરઝાઈ પણ આ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન:
રચિન રવિન્દ્ર (ન્યૂઝીલેન્ડ)
ઇબ્રાહિમ ઝદરાન (અફઘાનિસ્તાન)
વિરાટ કોહલી (ભારત)
શ્રેયસ અય્યર (ભારત)
કેએલ રાહુલ (વિકેટકીપર) (ભારત)
ગ્લેન ફિલિપ્સ (ન્યૂઝીલેન્ડ)
અઝમતુલ્લા ઓમરઝાઈ (અફઘાનિસ્તાન)
મિશેલ સેન્ટનર (કેપ્ટન) (ન્યૂઝીલેન્ડ)
મોહમ્મદ શમી (ભારત)
મેટ હેનરી (ન્યૂઝીલેન્ડ)
વરુણ ચક્રવર્તી (ભારત)
અક્ષર પટેલ (12મો ખેલાડી) (ભારત)




















