IND vs SA: સિરીઝ જીત્યા બાદ વિરાટ કોહલીનું મોટું નિવેદન, કહ્યું- ‘છેલ્લા 2-3 વર્ષમાં હું...’
Virat Kohli statement IND vs SA: ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ બન્યા બાદ કિંગ કોહલીનો ખુલાસો, 3 મેચમાં 2 સદી અને 302 રન સાથે વિરાટનું શાનદાર પુનરાગમન.

Virat Kohli statement IND vs SA: ભારતે દક્ષિણ આફ્રિકા સામેની હાઈ-વોલ્ટેજ વનડે શ્રેણી 2-1 થી જીતી લીધી છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી નિર્ણાયક મેચમાં ભારતે 9 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. આખી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર વિરાટ કોહલીને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મેચ બાદ કોહલીએ એક નિખાલસ નિવેદન આપતા સ્વીકાર્યું હતું કે, છેલ્લા 2-3 વર્ષમાં તેઓ જે રીતે રમ્યા છે તેના કરતાં આ શ્રેણીમાં તેઓ માનસિક રીતે વધુ મુક્ત થઈને રમ્યા છે અને પોતાના પ્રદર્શનથી સંતુષ્ટ છે.
"હું માનસિક રીતે મુક્ત અનુભવું છું"
મેચ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન વિરાટ કોહલીએ પોતાની બેટિંગ અને માનસિક સ્થિતિ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, "હું આ શ્રેણીમાં જે રીતે રમ્યો તેનાથી ખૂબ જ સંતુષ્ટ છું. મને હાલ માનસિક રીતે ઘણી મોકળાશ (Openness) અનુભવાઈ રહી છે. સાચું કહું તો, મેં છેલ્લા 2-3 વર્ષમાં આ પ્રકારની બેટિંગ કરી નથી. મને ખ્યાલ છે કે હું ક્યારે મેદાનમાં જઈને આ પ્રકારનું પ્રદર્શન કરી શકું છું અને આ શ્રેણીમાં તે લય મને મળી છે." કોહલીનું આ નિવેદન તેમના આત્મવિશ્વાસ અને ફોર્મમાં પરત ફરવાના સંકેત આપે છે.
શ્રેણીમાં કોહલીનું 'વિરાટ' પ્રદર્શન
આ શ્રેણી વિરાટ કોહલી માટે યાદગાર રહી હતી. તેણે 3 મેચમાં 151 ની અદભૂત સરેરાશથી કુલ 302 રન બનાવ્યા હતા.
પ્રથમ વનડે (રાંચી): વિરાટે 135 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, જેના કારણે ભારતે 17 રનથી જીત મેળવી હતી.
બીજી વનડે (રાયપુર): ભારતીય ટીમ ભલે આ મેચ 4 વિકેટથી હારી ગઈ હતી, પરંતુ કોહલીએ 102 રનની શાનદાર સદી ફટકારી હતી. (આ મેચમાં ઋતુરાજ ગાયકવાડે પણ 105 રન બનાવ્યા હતા).
ત્રીજી વનડે (વિશાખાપટ્ટનમ): નિર્ણાયક મેચમાં કોહલીએ આક્રમક અંદાજમાં 45 બોલમાં 65 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી.
ટીમ માટે કંઈક ખાસ કરવાની ભાવના
શ્રેણી જ્યારે 1-1 થી બરાબરી પર હતી ત્યારે દબાણ વિશે વાત કરતા કોહલીએ કહ્યું, "જ્યારે શ્રેણી બરાબરી પર હોય છે, ત્યારે અમે ટીમ માટે કંઈક વિશેષ કરવા માંગીએ છીએ. આ જ જૂસ્સાને કારણે અમે લાંબા સમયથી ટીમ માટે યોગદાન આપી શક્યા છીએ. મને આનંદ છે કે અમે સાથી ખેલાડીઓ સાથે મળીને લાંબા સમય સુધી સારું પ્રદર્શન કરી રહ્યા છીએ."
ઉલ્લેખનીય છે કે, ત્રીજી અને અંતિમ મેચમાં યશસ્વી જયસ્વાલે પણ સદી ફટકારી હતી, પરંતુ સમગ્ર શ્રેણીમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન બદલ વિરાટ કોહલી શ્રેણીના શ્રેષ્ઠ ખેલાડી તરીકે ઉભરી આવ્યા હતા.




















