નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
Gujarat ST Bus Fare Hike: નિગમના સત્તાવાર આદેશ મુજબ, આ નવો ભાવ વધારો આજે તારીખ 31/12/2025 ની મધ્યરાત્રિથી, એટલે કે નવા વર્ષ 01/01/2026 ની શરૂઆત થતા જ અમલમાં આવશે.

Gujarat ST Bus Fare Hike: નવા વર્ષની શરૂઆત પહેલા જ ગુજરાતના મુસાફરોને થોડો આંચકો લાગ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એસ.ટી. બસના ભાડામાં વધારો (Fare Hike) કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમે મુસાફરી ભાડામાં 3% નો વધારો જાહેર કર્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ટૂંકા અંતરની મુસાફરી કરતા ગ્રામીણ નાગરિકો પર આ વધારાની કોઈ મોટી અસર નહીં થાય. આ નવા દરો આજ રાતથી જ લાગુ કરી દેવામાં આવશે.
આજ મધ્યરાત્રિથી લાગુ થશે નવું ભાડું
નિગમના સત્તાવાર આદેશ મુજબ, આ નવો ભાવ વધારો આજે તારીખ 31/12/2025 ની મધ્યરાત્રિથી, એટલે કે નવા વર્ષ 01/01/2026 ની શરૂઆત થતા જ અમલમાં આવશે. નિગમના જણાવ્યા અનુસાર, પરિવહન સેવાઓ (Transport Services) ને વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે આ નિર્ણય લેવો અનિવાર્ય હતો. રાજ્યમાં દરરોજ એસ.ટી. બસનો લાભ લેતા અંદાજે 27 લાખ મુસાફરોને આ નવું ભાડું અસર કરશે.
તમારા ખિસ્સા પર કેટલો બોજ પડશે? જાણો ગણિત
નિગમે આ ભાવ વધારામાં સામાન્ય મુસાફરો અને વિદ્યાર્થીઓનું ખાસ ધ્યાન રાખ્યું છે. આંકડા મુજબ લોકલ બસોમાં મુસાફરી કરતા 85% લોકો 48 કિલોમીટરની મર્યાદામાં જ મુસાફરી કરે છે.
0 થી 9 કિ.મી.: જે મુસાફરો 9 કિલોમીટર સુધીની ટૂંકી મુસાફરી કરે છે, તેમના ટિકિટ દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.
10 થી 60 કિ.મી.: જે મુસાફરો 10 કિ.મી. થી લઈને 60 કિ.મી. સુધીની મુસાફરી કરે છે, તેમના ભાડામાં માત્ર 1 રૂપિયાનો નજીવો વધારો કરવામાં આવ્યો છે.


અન્ય રાજ્યો કરતા ગુજરાતનું ભાડું સસ્તું
ભાડામાં 3% નો વધારો થયો હોવા છતાં, પાડોશી રાજ્યોની સરખામણીએ ગુજરાત એસ.ટી.નું ભાડું (Bus Ticket Price) હજુ પણ ઘણું વ્યાજબી છે.
લોકલ બસ: ગુજરાતમાં પ્રતિ કિલોમીટર ભાડું 0.91 પૈસા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 1.68 રૂપિયા, ઉત્તર પ્રદેશમાં 1.30 રૂપિયા અને રાજસ્થાનમાં 1.00 રૂપિયો છે.
એક્સપ્રેસ બસ: ગુજરાતમાં એક્સપ્રેસ બસનો દર 0.97 પૈસા છે, જે અન્ય રાજ્યો કરતા ઘણો ઓછો છે.
નવી બસો અને ભરતી અંગે અપડેટ
મુસાફરોની સુવિધા માટે નિગમ સતત પ્રયત્નશીલ છે. છેલ્લા 14 મહિનામાં કાફલામાં 1475 નવી BS6 બસો ઉમેરવામાં આવી છે, જ્યારે આગામી વર્ષ 2025-26 ના બજેટમાં વધુ 2060 નવી બસો શરૂ કરવાનું આયોજન છે. આ ઉપરાંત ડિજિટલ પેમેન્ટ (Digital Payment) ને સરળ બનાવવા 3000 સ્માર્ટ ETM મશીનો પણ ફાળવવામાં આવ્યા છે. રોજગારીની વાત કરીએ તો, નિગમે તાજેતરમાં 2320 કંડક્ટરની ભરતી કરી છે અને ટૂંક સમયમાં 3084 ડ્રાઈવર તથા 1658 હેલ્પરની ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.





















