ભારતના 2007 અને 2011ની વર્લ્ડકપ વિજેતા ટીમના આ બે હીરો ભાજપમાં જોડાશે ?
આ પહેલાં 2017માં આયોજિત વિધાનસભા ચૂંટણીમાં હરભજન સિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. એ વખતે પણ આ વાત ખોટી પડી હતી.
ચંદીગઢઃ પંજાબમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ઈન્ડિયન બોલર હરભજન સિંહે ભાજપ સાથે જોડાશે એવી વાતો વહેતી થઈ છે. જો કે હરભજન સિંહે પોતે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાને પાયા વિહોણી ગણાવી દીધી છે. મીડિયામાં એ પ્રકારના અહેવાલો છે કે, હરભજનસિંહ અને યુવરાજસિંહ બંને ભાજપમાં જોડાશે.
જો કે હરભજને ટ્વિટ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ વાતોને અફવાઓ ગણાવી છે. હરભજન સિંહે કહ્યું છે કે મારા ભાજપ સાથે જોડાવાની ચર્ચા તદ્દન ખોટી છે. પોતે હજુ સુધી કોઈ રાજકીય પક્ષમાં જોડાયા નથી. પંજાબમાં આ વખતે ભાજપ તેના સાથી શિરોમણી અકાલી દળ વિના ચૂંટણી લડી રહી છે તેથી હરભજનની ભાજપમા જોડાવાની ચર્ચાઓને વેગ મળ્યો છે. હરભજન અને યુવરાજ બંને 2007 અને 2011ની વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્યો છે. 2007 અને 2011ની વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય ગૌતમ ગંભીર અત્યારે ભાજપના સાંસદ છે. તેમના પગલે યુવરાજ અને હરબઝન પણ જોડાય એવી અટકળો છે.
આ પહેલાં 2017માં આયોજિત વિધાનસભા ચૂંટણીમાં હરભજન સિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. એ વખતે પણ આ વાત ખોટી પડી હતી.
જલંધરનો વતની હરભજન સિંહ ટૂંક સમયમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં સોશિયલ મીડિયામાં એવો મેસેજ વાઈરલ થઈ રહ્યો છે કે પંજાબ ચૂંટણીમાં હરભજન સિંહ ભાજપનો ચહેરો બની શકે છે. ક્રિકેટર હરભજન સિંહે આ અફવાઓનું ખંડન કરવું પડ્યું છે.જો કે ભાજપના કેટલાક નેતાઓએ જણાવ્યું કે, પંજાબમાં ઘણા જાણીતા ચહેરા તેમના સંપર્કમાં છે. ચૂંટણી પહેલા કોણ આવશે અને કોણ જશે તે અંગે કંઈ કહી શકાય નહીં.
હરભજન આવતા વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં એક મોટી ટીમ સાથે સપોર્ટ સ્ટાફ તરીકે જોડાઈ શકે છે. હરભજન આઈપીએલ 2021ના પહેલા ફેઝમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો હતો. જો કે તેને યુએઈમાં બીજા તબક્કામાં એકપણ મેચ રમવાની તક નહોતી મળી. તેના કારણે અનુમાન લગાવાઈ રહ્યું છે કે ઈન્ડિયન ટીમનો સ્ટાર સ્પિનર ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ કોઈપણ એક ફ્રેન્ચાઈઝી સાથે સપોર્ટ સ્ટાફમાં જોડાઈ શકે છે.